મુંબઈઃ મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધન પર મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પ્રહારો કર્યા છે. રાજ ઠાકરેએ અહીંયા મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ સાથે જે હાથ મિલાવ્યો છે તે યોગ્ય નથી. તેમણે આગળ કહ્યું કે, લોકો મહા વિકાસ અઘાડી સરકારથી નાખુશ છે. તેમણે ભવિષ્યવાણી કરતા કહ્યું કે પરિણામોને આવતી ચૂંટણીમાં અનુભવી શકાશે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ રાજ્યમાં તાજેતરના રાજનૈતિક ઘટનાક્રમને લોકોનું અપમાન ગણાવ્યું. આ સાથે જ રાજ ઠાકરેએ ભાજપ-શિવસેના ગઠબંધન પર પણ પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે શિવસેના અને ભાજપે જનતાની ભાવનાઓનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે જે લોકો દોષપૂર્ણ હતા, તેમને મતદાતાઓ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો હતો. પરંતુ જનતા મહા વિકાસ અઘાડી સરકારથી નાખુશ છે.
મહારાષ્ટ્રમાં યુપીએ સરકારના કાર્યકાળમાં થયેલા સિંચાઈ ગોટાળા મામલે એસીબીએ પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારને ક્લીન ચીટ આપી દીધી છે. બ્યૂરો તરફથી બોમ્બે હાઈકોર્ટને આપવામાં આવેલા શપથપત્રમાં કહેવામાં આવ્યું કે, એનસીપી નેતા અજીત પવાર વિરુદ્ધ કોઈ ગુનાહિત મામલો નથી બનતો. 19 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં એસીબીના ડાયરેક્ટર જનરલ પરમવીર સિંહ દ્વારા વિદર્ભ સિંચાઈ ગોટાળામાં શપથપત્ર આપીને અજીત પવારને નિર્દોષ ગણાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં 70 હજાર કરોડ રુપિયાનો સિંચાઈ ગોટાળો 1999 થી 2009 વચ્ચે અજીત પવાર સિંચાઈ મંત્રી હતા ત્યારે થયો હતો.