UPમાં INDIA ગઠબંધન માટે કોંગ્રેસને SPનું અલ્ટિમેટમ

લખનઉઃ લોકસભા ચૂંટણીમાં હવે બહુ વધુ સમય નથી બચ્યો, પણ વિરોધ પક્ષોના ઇન્ડિયા ગઠબંધનની વચ્ચે સીટ વહેંચણી પર હજી સુધી કોઈ સહમતી નથી બની. આ ગઠબંધનના સહયોગી RLDના ભાજપમાં સામેલ થવાથી ફરી એક વાર ઉત્તર પ્રદેશમાં સીટોની વહેંચણીના ગણિતમાં ફેરફાર થયો છે. હવે સમાજવાદી પાર્ટી (SP)એ કોંગ્રેસને અલ્ટિમેટમ આપ્યું છે.  

SPએ એ કોંગ્રેસને 15 સીટોની લિસ્ટ આપીને કહ્યું છે કે આ અંતિમ યાદી હશે. જો કોંગ્રેસ આ 15 સીટો પર સહમત છે તો ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન રહેશે, જો કોંગ્રેસ એનાથી વધુ સીટોની માગ કરશે તો SPને એ સ્વીકાર નહીં હોય.પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસે આજે SPને જવાબ આપવાનો છે. જો કોંગ્રેસ સહમતી આપશે તો આવતી કાલે અખિલેશ યાદવ રાયબરેલીમાં રાહુલ ગાંધીની સાથે ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થશે. જો કોંગ્રેસ સાંજ સુધી સહમતી નહીં આપે તો અખિલેશ રાહુલની યાત્રાથી દૂર રહે એવી શક્યતા છે. ઉત્તર પ્રદેશમાં ભારત જોડો ન્યાય યાત્રા શુક્રવારથી ચંદોલી જિલ્લાથી શરૂ થશે.

SPના અધ્યક્ષે કહ્યું હતું કે તેઓ સીટોની વહેંચણી બાબતે નિર્ણય લેવાશે તો તેઓ રાયબરેલીમાં આ યાત્રામાં સામેલ થશે. ત્યાર બાદ આ યાત્રા ઉત્તર પ્રદેશમાં રાજસ્થાનમાં જશે.પત્રકારો સાથે વાતચીતમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે જ્યાં સુધી સીટોની વહેંચણી નહીં થાય, ત્યાં સુધી પાર્ટી તેમની ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય. કોંગ્રેસની સાથે કેટલાય તબક્કામાં વાતચીત થઈ ચૂકી છે, પણ જ્યાં સુધી સીટોની વહેંચણી પર નિર્ણય નહીં થાય, ત્યાં સુધી પાર્ટી આ યાત્રામાં સામેલ નહીં થાય.