દિલ્હી લિકર કેસઃ ED સમક્ષ હાજર નહીં થયા કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સ પણ નથી પહોંચ્યા. આમ છઠ્ઠી વાર તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર નથી થયા. આમ આદમી પાર્ટીએ EDની નોટિસને ગેરકાયદે ગણાવતાં કહ્યું હતું કે ED હવે કોર્ટના આદેશની રાહ જુએ, કેમ કે મામલો કોર્ટના વિચારાધીન છે. પાર્ટીએ કહ્યું હતું કે EDએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. એજન્સીએ વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ.

આ પહેલાં દિલ્હીના CM એજન્સીના પાંચ સમન્સને નજરઅંદાજ કરી ચૂક્યા છે. તેમણે આ બધા સમન્સને ગેરકાયદે અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા હતા. દિલ્હીના CM દરેક વખતે દિલ્હી લિકર કૌભાંડમાં પૂછપરછ માટે હાજર થવા માટે ના પાડી દે છે. પહેલાં એજન્સી એ વાતનો જવાબ આપે કે તે કઈ હેસિયતથી મને બોલાવે છે. એજન્સીએ એ સ્પષ્ટતા પણ કરવી જોઈએ કે એને કઈ માહિતી મારી પાસેથી મેળવવી છે. આ મામલે મારે શું લેવા-દેવા છે, એમ તેમણે કહ્યું હતું.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર સમન્સની અવગણના કરતાં એજન્સીએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં. કોર્ટની નોટિસ પછી CM શનિવારે એક્સાઇઝ પોલિસી મામલે રાઉસ એવન્યુ કોર્ટમાં વિડિયો કોન્ફરસિંગ મામલે હાજર થયા હતા. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને ચાલુ બજેટ સત્રને કારણે તેઓ શારીરિક રીતે ઉપસ્થિત થઈ નહીં શકે. હવે કેજરીવાલે 16 માર્ચે હાજર થવા માટે કોર્ટનું ફરમાન છે.