સ્પાઈસજેટ શનિવારથી 42 નવી ફ્લાઈટ શરૂ કરશે

નવી દિલ્હીઃ દેશની અગ્રગણ્ય એરલાઈન સ્પાઈસજેટ પોતાના સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર 10 જુલાઈ, શનિવારથી નવી 42 ફ્લાઈટ્સ શરૂ કરનાર છે. નવી ફ્લાઈટ્સ મેટ્રો તથા બિન-મેટ્રો શહેરો વચ્ચે કનેક્ટિવિટી વધારશે. આ ઉપરાંત એર-બબલ સમજૂતી અંતર્ગત સ્પાઈસજેટ કોચી-માલે-કોચી અને મુંબઈ-માલે-મુંબઈ રૂટ ઉપર આંતરરાષ્ટ્રીય વિમાનસેવા શરૂ કરશે. સ્પાઈસજેટનાં સીઈઓ શિલ્પા ભાટિયાએ જણાવ્યું છે કે વિમાન સફર માટેની માગ વધી રહી છે.

એરલાઈન સુરત-જબલપુર અને સુરત-પુણે રૂટ ઉપર પણ ફ્લાઈટ્સ શરૂ કરશે. તે સુરત શહેરને દેશના અમુક મેટ્રો શહેરોને જોડશે – જેમ કે જયપુર, હૈદરાબાદ, બેંગલુરુ. તે જ પ્રમાણે ગ્વાલિયર શહેરને અમદાવાદ, મુંબઈ અને પુણે સાથે જોડતી નોન-સ્ટોપ રિટર્ન ફ્લાઈટ્સ શરૂ કરશે. આ ઉપરાંત સુરત-પટના, અમદાવાદ-ઉદયપુર રિટર્ન ફ્લાઈટ્સ પણ શરૂ કરશે. નવા રૂટ પર એરલાઈન તેના બોઈંગ 737 અને Q400 વિમાનોને સેવામાં ઉતારશે. બુકિંગ સ્પાઈસજેટની વેબસાઈટ, સ્પાઈસજેટ મોબાઈલ એપ તથા ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ તથા ટ્રાવેલ એજન્ટો મારફત પણ કરી શકાશે.