‘છેતરપીંડી’ કેસઃ સલમાનને ચંડીગઢ પોલીસનું સમન્સ

ચંડીગઢઃ છેતરપીંડીને લગતા એક કેસના સંબંધમાં ચંડીગઢ પોલીસે બોલીવુડ અભિનેતા સલમાન ખાન, એની બહેન અલવીરા તથા સલમાનની ચેરિટી સંસ્થા બીઈંગ હ્યુમન સાથે સંકળાયેલા અન્ય સાત જણને સમન્સ મોકલ્યું છે. અરૂણ ગુપ્તા નામના એક વેપારીએ કરેલી ફરિયાદને આધારે આ સમન્સ મોકલવામાં આવ્યું છે.

ગુપ્તાએ એવો આક્ષેપ કર્યો છે કે બીઈંગ હ્યુમનના બે કર્મચારીએ ફ્રેન્ચાઈઝ માટે એમનો સંપર્ક કર્યો હતો અને બે કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવા કહ્યું હતું. તેમણે એવું કહીને ગુપ્તા પર દબાણ કર્યું હતું કે સ્ટોરના ઉદઘાટન વખતે સલમાન ખાન હાજર રહેશે. ગુપ્તાએ સ્ટોર શરૂ કર્યો હતો. એ વાતને દોઢ વર્ષ વીતી ગયું છે, પણ બીઈંગ હ્યુમન તરફથી ગુપ્તાને કંઈ આપવામાં આવ્યું નથી. ચંડીગઢ પોલીસે નોટિસનો જવાબ આપવા માટે સલમાન ખાન, અન્યોને 13 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.