નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે સંસદનું પાંચ દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેનો આજથી આરંભ થશે. લોકસભા અને રાજ્યસભા, બંને ગૃહનાં તમામ સભ્યો આજે સંસદભવનના જૂના બિલ્ડિંગમાં એકત્ર થશે અને આવતીકાલે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી બાજુમાં જ નવા બંધાઈ ગયેલા નવા સંસદભવનમાં બેસવાનું શરૂ કરશે. સંસદની તમામ કાર્યવાહી આવતીકાલથી નવા બિલ્ડિંગમાં જ થશે.
વડા પ્રધાન મોદી આજે જૂના સંસદભવનમાંની બેઠક દરમિયાન લોકસભામાં સંબોધન કરે એવી ધારણા છે. 17મી લોકસભાનું આ 13મું સત્ર હશે અને રાજ્યસભાનું 261મું હશે. વિશેષ સત્રમાં પાંચ બેઠક યોજાશે.
કેન્દ્ર સરકારે આ વિશેષ સત્રમાં હાથ ધરાનાર કાર્યસૂચિ જાહેર કરી છે, પરંતુ એમ પણ કહ્યું છે કે આ કાર્યસૂચિમાં ફેરફાર થઈ શકે છે. ચારથી આઠ ખરડાઓ પર ચર્ચા કરવામાં આવશે. આજે પહેલા દિવસે લોકસભામાં ‘ભારતીય સંસદના 75 વર્ષની સફર, તેની સિદ્ધિઓ, અનુભવો, સ્મૃતિઓ અને બોધપાઠ’ વિષય પર ચર્ચા કરવામાં આવશે.