SP નેતાએ યોગી માટે ગોરખપુરની એર-ટિકિટ મોકલી

લખનઉઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ ચૂંટણીનો પારો વધતો જાય છે. સમાજવાદી પાર્ટીના નેતાએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ માટે ગોરખપુરની એર ટિકિટ બુક કરી હતી અને હવે તેમણે લખનઉમાં ભાજપની મુખ્ય ઓફિસમાં સ્વતંત્ર દેવ સિંહ માટે અલીગઢથી તાળું મોકલવાનો આદેશ આપ્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઇ. પી. સિંહ સ્પષ્ટ રીતે ઓછા પ્રયાસ દ્વારા વધુ ને વધુ લોકપ્રિયતા મેળવવામાં વિશ્વાસ રાખે છે. ભાજપના કેબિનેટપ્રધાન સ્વામી મૌર્ય સહિત ચાર વિધાનસભ્યોનાં રાજીનામાં પછી આઇ. પી. સિંહે ટ્વીટ કર્યું હતું અને તેમણે એક તાળું મોકલવાનો આદેશ આપ્યો હતો, જેને ભાજપના કાર્યાલયમાં મોકલવામાં આવશે, જેથી તેમના નેતા એ ઓફિસને બંધ કરી શકે અને 10 માર્ચ પછી ઘરે જઈ શકે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં 10 માર્ચે મતગણતરી થવાની છે.

તેમણે બે દિવસ પહેલાં ગોરખપુર જતી એર ઇન્ડિયાની ફ્લાઇટની 11 માર્ચની યોગી આદિત્યનાથ માટે બુક કરેલી એર ટિકિટનો સ્ક્રીન શોટ શેર કર્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું હતું કે હું સદભાવના તરીકે આ કરી રહ્યો છું અને યોગી આદિત્યનાથ પાંચ વર્ષ માટે રાજ્યના મુખ્ય પ્રધાન રહ્યા છે અને ઘરવાપસી માટે એક ટિકિટના હકદાર તો છે.

આઇ. પી. સિંહ  સંયોગથી વર્ષ 2019માં અખિલેશ યાદવની પ્રશંસા કરવા માટે ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, જે પછી તેઓ સમાજવાદી પાર્ટીમાં સામેલ છે અને હવે તેઓ ભાજપના પ્રખર ટીકાકારોમાંના એક છે.