સોનિયા ગાંધી સક્રિય થયાં; 23 મેએ દિલ્હીમાં વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી છે

નવી દિલ્હી – લોકસભા ચૂંટણી-2019ના પરિણામ આડે હવે જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ અને યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી એકદમ સક્રિય થઈ ગયાં છે. એમણે આવતી 23 મેએ વિરોધ પક્ષોના નેતાઓની નવી દિલ્હીમાં બેઠક બોલાવી છે. એમાં હાજર રહેવાનું એમણે ઘણા વિપક્ષી નેતાઓને આમંત્રણ આપ્યું હોવાનો અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, 23 મે લોકસભા ચૂંટણીની મતગણતરી અને પરિણામ જાહેર કરવાનો દિવસ છે.

સાત રાઉન્ડની લોકસભા ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા 19 મેએ પૂરી થશે.

સોનિયાએ વિપક્ષી નેતાઓને સંગઠિત કરવાનું આ વ્યૂહાત્મક પગલું ભર્યું છે.

23 મેની બેઠકમાં હાજર રહેવાનું જે વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું મનાય છે એમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારનો પણ સમાવેશ થાય છે. ડીએમકે પાર્ટીએ આજે સમર્થન આપ્યું છે કે પાર્ટીના પ્રમુખ એમ.કે. સ્ટાલીનને મીટિંગમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું છે.

અહેવાલો અનુસાર, બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ સિંહ યાદવને પણ આમંત્રણ અપાશે. જોકે વાયએસઆર કોંગ્રેસના જગન રેડ્ડી આમંત્રણનો અસ્વીકાર કરે એવી ધારણા છે.

સોનિયા વિપક્ષી નેતાઓને ફોન કરીને જાણી રહી છે કે 19 મેએ લોકસભા ચૂંટણીના આખરી રાઉન્ડ બાદ તેઓ દિલ્હીમાં ઉપલબ્ધ છે કે નહીં.

સોનિયા ગાંધી દ્વારા મીટિંગ માટે આમંત્રિત નેતાઓના નામોની યાદીમાં તેલંગણાના મુખ્ય પ્રધાન અને તેલંગણા રાષ્ટ્ર સમિતિના વડા કે. ચંદ્રશેખર રાવ પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે રાવે બિન-ભાજપ અને બિન-કોંગ્રેસ એવા પ્રાદેશિક પક્ષોનો કેન્દ્રીય મોરચો બનાવવાની શરૂઆત કરી છે.

લોકસભા ચૂંટણીમાં પરિણામ ત્રિશંકુ આવે એવી સંભાવના હોવાથી સોનિયાએ કથિતપણે કમલનાથ સહિત પાર્ટીનાં અમુક સિનિયર નેતાઓને જવાબદારી સોંપી છે કે તેઓ બિજુ જનતા દળના પ્રમુખ નવીન પટનાયક, વાયએસ. કોંગ્રેસના જગનમોહન રેડ્ડી અને ટીઆરએસના ચંદ્રશેખર રાવને મનાવે. આ નેતાઓ સાથે અનૌપચારિક રીતે વાતચીત શરૂ પણ થઈ ગઈ છે.