સેનાની ભરતી પરીક્ષામાં ‘હાઈટેક’ નકલ કરતા પરીક્ષાર્થીઓ ઝડપાયાં

નવી દિલ્હીઃ પંજાબના હોંશિયારપુરના દસૂહામાં મંગળવારે સેના ભરતી પરીક્ષા હતી. આ પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરી રહેલાં 15 પરીક્ષાર્થીઓને પકડવામાં આવ્યાં હતાં. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 420 અને 120 બીને આધીન કેસ નોંધાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર દસૂહામાં ઊંચી બસ્સી સ્થિત આયુધ ડેપોમાં પરીક્ષાર્થીઓ કોઇ સામાન્ય પદ્ધતિથી નહીં, પરંતુ હાઈટેક રીતે નકલ કરી રહ્યાં હતાં. આરોપી પરીક્ષાર્થીઓએ પોતાના ક્લિપ બોર્ડમાં મોબાઈલ છુપાવ્યાં હતાં, જે કનેક્ટિવિટી સાથે હરિયાણામાં બેઠેલા એજન્ટના સંપર્કમાં હતાં. ત્યાં બેઠેલા લોકો તમામ આરોપી પરીક્ષાર્થીને નકલ કરાવી રહ્યાં હતાં. આ સાથે જ તમામના ખીસ્સામાં ડોંગલ સાથે, બેટરી, અને સિમકાર્ડ પણ ઉપસ્થિત હતાં.

પ્રાપ્ત વિગતો અનુસાર કુલ 2888 ઉમેદવારોને સેનામાં ભરતી માટે ફિઝિકલ ટેસ્ટ બાદ પરીક્ષા આપવાની હતી, જેમાં 2688 ઉમેદવારો જ શામેલ થયા, પરંતુ પોલીસે કાર્યવાહી કરતાં તમામ નકલ કરી રહેલાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડવામાં આવેલા આરોપી પરીક્ષાર્થીઓમાં હરિયાણા અને રાજસ્થાનના કેન્ડિડેટ છે. તો નકલનો ખુલાસો સૂબેદાર કુલવિંદર સિંહે કર્યો હતો.


સૂબેદાર કુલવિંદર સિંહ અનુસાર લેખિત પરીક્ષા માટે 2888 ઉમેદવારોની પસંદગી થઈ હતી, જેમાંથી 2688 ઉમેદવારો જ ઉપસ્થિત રહ્યા હતા. શરુઆતમાં તમામનું ચેકિંગ કરવામાં આવ્યાં બાદ જ તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક ઉમેદવારોના ક્લિપબોર્ડ થોડા મોટા હોવાના કારણે આ લોકો પર શંકા ગઈ. શંકા જતાં જ જ્યારે પરીક્ષકોએ ક્લિપબોર્ડ ચેક કર્યાં તો તેમના ક્લિપ બોર્ડમાં મોબાઈલ ફોન ફિટ દેખાયા, જેને સ્ટિકર લગાવીને વ્યવસ્થિત રીતે લેમિનેશન કરીને છુપાવવામાં આવ્યાં હતાં.

આરોપી પરીક્ષાર્થીની પૂછપરછમાં જણાવવામાં આવ્યું કે તેમને મોબાઈલ, મિની લિસનિંગ ઉપકરણ, ડોંગલ, બેટરી, સિમકાર્ડ રીડર્સ બ્લૂટૂથ કનેક્ટિવિટી સહિતનો સામાન આપીને પરીક્ષા આપવા માટે મોકલવામાં આવ્યાં હતાં. તમામ પોતપોતાના ડિવાઈઝ સાથે એકબીજાથી કનેક્ટ હતાં. પ્રશ્નપત્ર મળતાં જ મોબાઈલથી પેપરના પ્રશ્નો હરિયાણાના એજન્ટો સુધી પહોંચાડવામાં આવતાં હતાં, જેઓ તરત જ મિની લિસનિંગ ઉપકરણ દ્વારા તેમને જવાબો પહોંચાડતાં હતાં. અત્યારે પોલીસે તમામ આરોપીઓ પાસેથી ક્લિપ બોર્ડ, મોબાઈલ ડોંગલ, બેટરી, સિમકાર્ડ રીડર, બ્લૂટૂથ અને લિસનિંગ ડિવાઈઝ જપ્ત કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]