આપણામાંના હજી પણ કેટલાક પ્રધાન હોય એમ જ વર્તે છે : જયરામ રમેશ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હાર ખમવી પડી છે. દિલ્હીમાં સતત બીજી વાર કોંગ્રેસને ફાળે એક પણ સીટ નથી આવી. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટો હતી, જેમાં કોંગ્રેસના 66 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 63 ઉમેદવારોની તો ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. જેનો અર્થ એ થયો કે આ ઉમેદવારોને તેમના મતવિસ્તારમાંથી દરેક છ મતોમાંથી એક મત પણ નહોતો મળ્યો. પાર્ટીના નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલુ છે. ચૂંટણી પરિણામો પછી કોંગ્રેસના અધ્યક્ષ સુભાષ ચોપડા અને દિલ્હીના પ્રભારી પદથી પીસી ચાકોએ રાજીનામાં આપ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બંનેના રાજીનામાંનો સ્વીકાર પણ કરી લીધો છે. કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ નેતાઓ હાર માટે પાર્ટીની વ્યૂહરચના પર સવાલ કરી રહ્યા છે.

 

કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કર્યું

દિલ્હી ચૂંટણીમાં જબરદસ્ત પછડાટ મેળવ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે પાર્ટી માટે દિલ્હીના પરિણામો બહુ જ નિરાશાજનક છે. એક નવી વિચારધારા અને એક નવી કાર્યપ્રક્રિયાની તત્કાળ જરૂર છે. દેશ બદલાઈ ગયો છે એટલે દેશના લોકો સાથે આપણે પણ નવી વિચારસરણીની જરૂર છે.

પાર્ટીએ પુનરાવલોકન કરવું જોઈએઃ જયરામ રમેશ

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે પણ પાર્ટીમો મોટા પરિવર્તનોની વકીલાત કરતાં કહ્યું છે કે સત્તા ગુમાવ્યાના છ વર્ષ પછી પણ અમારામાંથી કેટલાક એવો વ્યવહાર કરે છે જેમ કે અમેઆજે પણ પ્રધાન છીએ કોંગ્રેસની શરમજનક હાર અને બિહાર તથા ઉત્તર પ્રદેશ જેવાં કેટલાકં રાજ્યોમાં પાર્ટીની ખરાબ હાલત પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે પાર્ટીએ પુનરવલોકન કરવું જોઈએ.

લોકોએ કોંગ્રેસને ગંભીરતાથી લીધી જ નહીઃ મોઇલી

કોંગ્રેસની હાર અંગે ચિંતા વ્યક્ત કરતાં કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને પાર્ટીમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું આહવાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની વોટ બેન્ક આમ આદમી પાર્ટી તરફ સ્થાનાંતરિત થઈ ગઈ હતી. દિલ્હીન મતદારોએ કોંગ્રેસને ગંભીરતાથી લીધી જ નહોતી.