કંઝાવાલા કેસના છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હીના કંઝાવાલામાં એક કારમાં 12 કિલોમીટર સુધી યુવતીને ઘસેડવાના મોતના મામલામાં દિલ્હી પોલીસે છઠ્ઠા આરોપી આશુતોષની ધરપકડ કરી છે. આશુતોષની કારની નીચે 20 વર્ષની યુવતીને ઘસેડવામાં આવી હતી. આ મામલે સાતમા આરોપી અંકુશને પોલીસે હજી પણ શોધી રહી છે. પોલીસની પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો હતો કે પહેલેથી ધરપકડ કરવામાં આવેલા પાંચ આરોપીઓમાં કાર ચલાવવાનો દાવો કરવાવાળો દીપક ખન્ના આ દુર્ઘટના વખતે કારમાં નહીં, બલકે ઘરમાં હતો.

પોલીસનું કહેવું છે કે પાંચોમાંથી માત્ર દીપકની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હતું, એટલે દબાણ કરીને તેનું નામ લેવામાં આવ્યું હતું. પોલીસને તેના મોબાઇલનું લોકેશન દુર્ઘટનાની જગ્યાએ દૂર મળ્યું હતું. અમિતની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું, જેથી તેણે દીપકનું નામ લીધું હતું.આશુતોષ સહિત અનેક લોકોએ દીપકનું નામ લેવાનું દબાણ કર્યું હતું.

સ્પેશિયલ પોલીસ કમિશનર ( લો એન્ડ ઓર્ડર) સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું હતું કે આશુતોષ નોએડામાં એક ટેક કંપનીમાં કામ કરતો હતો. તે યુવતી કારની નીચે ફસાઈ હોવાનું જાણતો હતો અને ડ્રાઇવર વિશે ખોટું બોલી રહ્યો હતો. આશુતોષે પોલીસને જણાવ્યું હતું કે તેણે કાર દીપક અને અમિતને આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેણે કંઈ કહ્યું નહોતું અને એ પણ ખોટું બોલ્યો હતો કે દીપક ડ્રાઇવર હતો.

હુડ્ડાએ જણાવ્યું હતું કે પાંચ લોકોમાંથી અમિત ખન્ના કાર ચલાવી રહ્યો હતો. એ વાત સાબિત કરવા માટે તેમની પાસે વૈજ્ઞાનિક પુરાવા છે.