હિમાચલમાં કોંગ્રેસના છ બળવાખોર MLA અયોગ્ય ઘોષિત

સિમલાઃ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના છ બળવાખોર વિધાનસભ્યોને અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા છે. રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટીથી અલગ થઈને મત નાખવાના મામલામાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સંસદીય કાર્ય મંત્રી હર્ષવર્ધન ચૌહાણે કોંગ્રેસના બધા છ બળવાખોર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ કહ્યું હતું કે આ જનાદેશનું અપમાન છે.

કોંગ્રેસના છ બળવાખોર વિધાનસભ્યો પર દળબદલ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. વારંવાર થતી રાજકીય ઊથલપાથલ અને હોર્સ ટ્રેડિંગને રોકવા માટે વર્ષ 1985માં રાજીવ ગાંધીની સરકારે 92મું બંધારણીય સંશોધન કરીને દળબદલ વિરોધી કાયદો પસાર કર્યો હતો. આ કાયદાનો હેતુ રાજકીય લાભ માટે નેતાઓને પાર્ટી બદલવાથી અટકાવવાનો હતો. આ કાયદાને દસમી અનુસૂચિમાં રાખવામાં આવ્યો હતો.

શું છે મામલો?

હિમાચલમાં રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિધાનસભ્ય સુધીર શર્મા, રાજીન્દર રાણા, ઇન્દ્ર દત્ત લખનપાલ, ચૈતન્ય શર્મા, દેવેન્દ્રકુમાર ભુટ્ટો અને રવિ ઠાકુરે પાર્ટીથી વિરુદ્ધ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનના પક્ષમાં મતદાન કર્યું હતું.બુધવારે બજેટને લઈને જે વ્હિપ જારી કરવામાં આવ્યો હતો, એનું પણ આ વિધાનસભ્યોએ પાલન નહોતું કર્યું. ત્યાર બાદ આ વિધાનસભ્યો પર કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.

વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પરત નથી ખેંચ્યું

હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિભા સિંહના પુત્ર અને કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેમણે રાજીનામું પરત નથી લીધું.જ્યાં સુધી કોંગ્રેસ સમીક્ષક પોતાનો અંતિમ નિર્ણય ના આપે, ત્યાં સુધી આ સંબંધમાં તેઓ કોઈ કાર્યવાહી નહીં કરે. અમે સમીક્ષક સાથે વાત કરી છે અને હાલની સ્થિતિ પર ચર્ચા કરી છે. તેઓ વિધાનસભ્યોથી વાત કરીને અંતિમ નિર્ણય લેશે. આ સ્થિતિ મારે કારણે નહીં, પણ એ વિધાનસભ્યો (ક્રોસ મતદાન)ને કારણે થઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.