મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી તારીખ નજીક આવી રહી છે. આ વચ્ચે ભાજપ અને શિવસેનાના ગઠબંધનની સીટોની વહેંચણીને લઈને લોકોમાં ઉત્સુકતા છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ગઠબંધનમાં સીટોની વહેંચણીની જાહેરાત આજ-કાલમાં કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે સીટોની વહેંચણી પર અમિત શાહ સાથે ફાઈનલ વાત થઈ ચૂકી છે.
પુણેમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ વચ્ચે મહારાષ્ટ્ર સીએમ પર પણ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે હું અને સીએમ દેવેન્દ્ર ફડણવીસ સીટની વહેંચણીને લઈને વાતચિત કરી રહ્યા હતા, અને આ વાત વચ્ચે પિતૃપક્ષનો મુદ્દો સામે આવી ગયો. આ મુદ્દે મેં કહ્યું કે મારો પક્ષ માત્ર પિતૃ છે અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પક્ષ છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મેં, બાલાસાહેબને વચન આપ્યું હતું કે એક દિવસ આપણી પાસે શિવસેનાનો મુખ્યમંત્રી હશે. સીટની વહેંચણી પર તેમણે કહ્યું કે આ મામલે આજે અથવા કાલે જાહેરાત કરી દેવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવારની ઈડીએ જે પૂછપરછ કરી તે મામલાનો પણ ઉલ્લેખ કર્યો. શિવસેના પ્રમુખે કહ્યું કે અમે સંઘર્ષ સાથે બધુ જ કમાયા છીએ, અમને કોઈએ આપ્યું નથી. તો મને એ જોઈને ખુશી નહી થાય કે શરદ પવાર સાથે શું થયું અને અજીત પવારે શું કર્યું.