મથુરામાં શાહી-ઈદગાહ મસ્જિદમાં નમાઝ બંધ કરાવવાની અરજી

મથુરાઃ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં જ્ઞાનવાપી મસ્જિદ અંગે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના અન્ય યાત્રાસ્થળ મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદમાં નમાઝ પઢવાનું બંધ કરાવવાની વકીલો તથા કાયદાશાસ્ત્રના કેટલાક વિદ્યાર્થીઓએ માગણી કરી છે. એમણે કોર્ટને વિનંતી કરી છે કે શાહી ઈદગાહ મસ્જિદમાં નમાઝ પઢવા જતા લોકોને તાત્કાલિક રોકી દેવામાં આવે. અરજદારોનો દાવો છે કે શાહી ઈદગાહ મસ્જિદ વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થાન છે. મસ્જિદ બંધાઈ એ પહેલા ત્યાં મંદિર હતું.

શૈલૈન્દ્રસિંહ નામના એક અરજદારે કહ્યું છે કે એક હિન્દુ મંદિરને તોડીને એની જગ્યાએ આ મસ્જિદ બાંધવામાં આવી હતી. આ મસ્જિદનો ઉપયોગ કરવા પર મુસ્લિમ સમુદાયને કાયમને માટે રોકવામાં આવે એવી અરજદારોએ કોર્ટને વિનંતી કરી છે. હિન્દુવાદી સંગઠનોએ ઘણા સમય પૂર્વે જ દાવો કર્યો હતો કે મોગલ રાજા ઔરંગઝેબે કૃષ્ણ મંદિરનો એક હિસ્સો તોડીને ત્યાં મસ્જિદ બંધાવી હતી. તેથી એ મસ્જિદને દૂર કરવી જોઈએ. મસ્જિદને દૂર કરવા માટે અનેક હિન્દુવાદી સંગઠનોએ મથુરાની કોર્ટમાં 10 જેટલી પીટિશન નોંધાવી છે. મસ્જિદને અડીને જ કૃષ્ણ મંદિર આવેલું છે જેનું નામ છે કટરા કેશવદેવ મંદિર. હાલ મસ્જિદનો જે વિસ્તાર છે તે અગાઉ કેશવદેવ મંદિર જ હતું.