બદલાપુરમાં ચાર વર્ષની બે બાળકીઓનું યૌન શોષણઃ લોકોમાં આક્રોશ

થાણેઃ થાણે જિલ્લાના બદલાપુરમાં એક જાણીતી સ્કૂલમાં બે બાળકીઓ સાથે યૌન ઉત્પીડનની ઘટનાની વિરુદ્ધ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીનાં માતાપિતા અને સ્થાનિક લોકો સ્કૂલની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. એની અસર લોકલ ટ્રેનો પર પણ પડી છે. બદલાપુર રેલવે સ્ટેશન પર અનેક લોકલ ટ્રેનો રોકવામાં આવી છે. એની માહિતી CPRO સેન્ટ્રલ રેલવેએ આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બે ચાર વર્ષની બાળકીઓની સાથે ગર્લ્સ વોશરૂમમાં 23 વર્ષીય પુરુષ સફાઈ કર્મચારીએ યૌન ઉત્પીડન કર્યું હતું. આ મામલે FIR નોંધવામાં આવી છે અને સફાઈ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. સ્કૂલના વહીવટી તંત્રએ પ્રિન્સિપાલ અને સ્ટાફના બે વધુ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.

આ સ્કૂલનાં વિદ્યાર્થીઓનાં માતાપિતાઓએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સ્કૂલે વિદ્યાર્થીઓની સુરક્ષાને હળવાશથી લીધી અને કોઈ આશ્વાસન કે માફી નથી માગી. બીજી બાજુ પોલીસ તપાસમાં સ્કૂલ મેનેજમેન્ટ તરફથી અનેક ખામીઓ અને બેદરકારી સામે આવી હતી. વિદ્યાર્થિનીઓના વોશરૂમમાં કોઈ મહિલા એટેન્ડન્ટ ના હોવા સિવાય સ્કૂલમાં અનેક CCTV કેમેરા કામ નથી કરતા અને એને કારણે પરિવારજનોમાં સ્કૂલના પ્રતિ આક્રોશ છે. સ્થાનિક નાગરિકો અને માતાપિતાએ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સ્કૂલના વહીવટી તંત્ર પાસે બાળકીઓની સુરક્ષાની ગેરન્ટીની માગ કરી છે.

રાજ્યના CM એકનાથ શિંદેએ આ કેસ અંગે કહ્યું હતું કે બદલાપુર પ્રકરણ ફાસ્ટ ટ્રેક પર ચલાવવામાં આવશે અને આરોપીને આકરી શિક્ષા કરવામાં આવશે. CPROએ જણાવ્યું હતું કે દેખાવો કરી રહેલા લોકો રેલવે ટ્રેક પર આવી ગયા હતા. એને કારણે અંબરનાથ અને કર્જતની વચ્ચે અપ અને ડાઉન- બંને લાઇનો પર લોકલ સેવાઓને માઠી અસર થઈ હતી. અધિકારી આ મુદ્દો જલદી ઉકેલવા પ્રયાસ કરી રહ્યા છે. હાલ પાંચ ટ્રેનો પર અસર છે. ચાર ટ્રેનો બદલાપુરમાં ઊભી છે અને એક ટ્રેન ડાઇવર્ટ કરવામાં આવી છે.