નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહની બસ્તરની મુલાકાત પહેલાં છત્તીસગઢના દક્ષિણ અબુઝમાડના જંગલમાં સુરક્ષા દળોએ ઓછામાં ઓછા સાત નક્સલીઓને ઠાર કર્યા છે. અહીં હજુ પણ નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં અનેક નક્સલીઓના ઘાયલ થવાના અહેવાલ છે.
બસ્તર પોલીસને સૂચના મળી હતી કે અબુઝમાડના જંગલોમાં મોટી સંખ્યામાં નકસલવાદીઓની હાજરી છે. જેની સૂચના મળતાં બસ્તરથી ચાર જિલ્લાના જવાનોએ તેમના પર હુમલો કર્યો હતો. નક્સલ વિરોધી સર્ચ ઓપરેશનના ભાગરૂપે, STF અને CRPFની સંયુક્ત પાર્ટી નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના DRG સાથે દક્ષિણ અબુઝમાડ વિસ્તાર માટે રવાના થઈ હતી. સંયુક્ત સુરક્ષા દળોની ટીમ અને નક્સલવાદીઓ વચ્ચે ગુરુવારે સવારે 3 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું.
પોલીસ કર્મચારીઓ નક્સલવાદીઓના ગોળીબારનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સમયાંતરે અહીં અથડામણ ચાલુ રહે છે. સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં સાત વર્દીધારી નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટર પૂર્ણ થયા બાદ વધુ નક્સલવાદીઓના મૃતદેહ મળે એવી શક્યતા છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે.
અહેવાલ છે કે આ અથડામણમાં કેટલાક નક્સલવાદીઓ ઘાયલ થયા છે. જોકે જવાનોની ટીમ ઘટનાસ્થળે છે. આખા વિસ્તારમાં શોધખોળ જારી છે. માર્યા ગયેલા નક્લવાદીઓની સંખ્યા વધે એવી શક્યતા છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોએ બુધવારે એક એન્કાઉન્ટરમાં એક નક્સલવાદીને ઠાર કર્યો અને હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી. આ દરમિયાન નક્સલવાદીઓની લેન્ડમાઈનમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.
