વર્ધા (મહારાષ્ટ્ર): આજે વહેલી સવારે એક કાર પૂલ પરથી નદીમાં ગબડી પડતાં તેમાં પ્રવાસ કરી રહેલા ભારતીય જનતા પાર્ટીના એક વિધાનસભ્યના પુત્ર સહિત એમબીબીએસના સાત વિદ્યાર્થીઓનાં કરૂણ મરણ નિપજ્યા હતા. આ દુર્ઘટના વર્ધા જિલ્લાના સેલસુરા ગામ નજીક થઈ હતી. કારના ડ્રાઈવરનો સ્ટિયરિંગ પરનો અંકુશ ગુમાઈ જતાં કાર નદીમાં ખાબકી હતી. સાતેય વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ સાત વિદ્યાર્થીઓમાં એક અવિષ્કર રહાંગદાલે હતા, જે ભાજપના વિધાનસભ્ય વિજય રહાંગદાલેના પુત્ર હતા. એ વર્ધામાં જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના એમબીબીએસ વિદ્યાર્થી હતા. અન્ય છ જણ વિદ્યાર્થીના નામ છેઃ નીરજ ચૌહાણ (ગોરખપુરના દૌડપુરના વતની), પ્રત્યુષ સિંહ, શુભમ જાયસ્વાલ (ચાંદૌલી, ઉત્તર પ્રદેશ), વિવેક નંદન અને પવન શક્તિ (બિહારના ગયાના વતની) અને નીતિશ કુમાર સિંહ (બેલાપુર, ઓડિશા). તમામ વિદ્યાર્થીઓ વર્ધાની જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં ભણતા હતા. એક વિદ્યાર્થી મેડિકલ ઈન્ટર્ન હતો જ્યારે બાકીનાં છ જણ ફાઈનલ, ત્રીજા અને પહેલા વર્ષનું ભણતા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, મૃતકો પડોશના યવતમાળ જિલ્લામાં એક વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી કર્યા બાદ પાછા ફરી રહ્યા હતા ત્યારે કાર અકસ્માત થયો હતો.
આ સમાચાર જાણીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘેરું દુઃખ વ્યક્ત કર્યું છે અને ભોગ બનેલા પ્રત્યેકના નિકટના સ્વજન માટે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી રૂ. બે-બે લાખની સહાયતાની જાહેરાત કરી છે.