પણજીઃ ગોવાના શિરગાંવમાં આયોજિત લેરાઈ દેવી મંદિરમાં ભાગદોડ થતાં કમસે કમ સાત લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ (GMC) અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત ત્યારે થયો જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરંપરાગત ‘જાત્રા’માં ભાગ લેવા માટે એકઠા થયા હતા. ભારે ભીડને કારણે અંધાધૂંધી ફેલાઈ ગઈ, જેને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. આ દુર્ઘટનામાં ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
આ મંદિરમાં હજ્જારો શ્રદ્ધાળુઓ સદીઓ જૂની પરંપરામાં ભાગ લેવા જુલૂસમાં સામેલ થયા હતા, એમાં ઉઘાડા પગે સળગતા અંગારા પર ચાલે છે, જ્યારે ઢાળવાળી જગ્યાએ ભીડ એકસાથે ઝડપથી આગળ વધવા લાગી હતી. આ દુર્ઘટના પર PM મોદીએ ઘેરું દુઃખ વ્યક્ત કર્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ CM ડો. પ્રમોદ સાવંતે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલ અને બિચોલિમ હોસ્પિટલની મુલાકાત લીધી. CM ઘાયલોને મળ્યા અને તેમની સારવાર અંગે પૂછપરછ કરી અને અધિકારીઓને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો.
Goa Congress is deeply saddened by the stampede at Jatrotsav of Shree Lairai Devi,Shirgao. We condemn this tragic incident and offer heartfelt condolences to the families who lost their loved ones. Wishing a speedy recovery to all those injured. @DrAnjaliTai @ViriatoFern pic.twitter.com/Ut0Db1RZzs
— Goa Congress (@INCGoa) May 3, 2025
લેરાઈ જાત્રા છે શું?
લેરાઈ દેવી એક પૂજનીય હિન્દુ દેવી છે જેમની ગોવામાં ખાસ કરીને દક્ષિણ ગોવાના શિરોડા ગામમાં પૂજા કરવામાં આવે છે. લેરાઈ દેવીને સમર્પિત મંદિર સ્થાનિક લોકો અને આજુબાજુનાં ક્ષેત્રોથી આવતા શ્રદ્ધાળુઓ માટે એક મહત્ત્વપૂર્ણ આધ્યાત્મિક કેન્દ્ર છે. લેરાઈ દેવી જાત્રાને શિરગાંવ જાત્રાના નામે પણ ઓળખાય છે. તે ગોવાનો એક મુખ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ પણ મનાય છે.
