નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના ગલવાન પહાડી વિસ્તારમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને ભારતસ્થિત ચીનના રાજદૂતે કમનસીબ ઘટના તરીકે ઓળખાવી છે.
ચાઈના-ઈન્ડિયા યૂથ વેબિનારને સંબોધિત કરતાં ચીની રાજદૂત સૂન વેઈદોંગે કહ્યું કે ચીનની સરકાર ભારતને તેના હરીફ તરીકે નહીં, પણ ભાગીદાર તરીકે જુએ છે.
વેઈદોંગે કહ્યું કે ચીન સરકારને આશા છે કે તે ભારત સાથેના સીમાવિવાદને દ્વિપક્ષી સંબંધોમાં ઉચિત સ્થાને રાખશે.
ચીની રાજદૂતે વધુમાં કહ્યું કે બંને દેશ આપસના વિવાદોને વાટાઘાટ અને મસલત દ્વારા યોગ્ય રીતે ઉકેલવા માટે પ્રયત્નશીલ છે, જેથી દ્વિપક્ષી સંબંધો વહેલી તકે ફરી પાટે ચડે.
આ વેબિનારમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો. સૂન વેઈદોંગે કહ્યું કે, ભારત અને ચીન પ્રાચીન સંસ્કૃતિવાળા દેશ છે અને તેમણે એકબીજાનો આદર કરતાં, એકબીજા સાથે સમાન વર્તાવ કરતાં શીખવું જોઈએ.
ગલવાન વેલીમાં થયેલી ઘટના કમનસીબ તેમજ ઈતિહાસની એક સંક્ષિપ્ત ક્ષણ સમાન હતી. બંને દેશે વિવાદોને બાજુ પર રાખી દેવાની જરૂર છે, એમ પણ વેઈદોંગે કહ્યું.
વેઈદોંગે ભારપૂર્વક એમ પણ જણાવ્યું કે ભારત પ્રતિ ચીનની નીતિમાં કોઈ ફેરફાર કરાયો નથી.