નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ કાયદા માટે જવાબ આપવા કેન્દ્ર સરકારને આવતી કાલ સુધીનો સમય આપ્યો છે. કેન્દ્ર સરકાર આ કાયદાની સમીક્ષા કરે, ત્યાં સુધી જે લોકો પર IPC 124-A હેઠળ આરોપ છે- તેમના કેસનું શું થશે અને નવા મામલા આ કલમ હેઠળ નોંધી શકાશે કે નહીં? આ મામલાની સુનાવણી હવે બુધવારે થશે.
ભારતીય દંડ સંહિતાની કલમ 124 Aમાં રાજદ્રોહની વ્યાખ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ સરકારવિરોધી સામગ્રી લખે અથવા બોલે છે, એવી સામગ્રીને ટેકો આપે છે. રાષ્ટ્રીય ચિહ્નોનું અપમાન કરીને બંધારણને નીચું દેખાડવાના પ્રયાસ કરે છે તો તેની સામે દેશદ્રોહનો કેસ નોંધી શકાય છે. આ ઉપરાંત કાયદા હેઠળ બનેલી સરકારની સામે વિદ્રોહ અથવા અસંતોષ જાહેર કરે છે અથવા સરકારની સામે નફરત અથવા અપમાન કરે છે અથવા પ્રયાસ કરે છે અને એ દોષી માલૂમ પડે તો ઉંમરકેદની સજા થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટમાં નિવૃત્ત મેજર જનરલ દ્વારા આની સામે દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે IPCની કલમ 124 A ( રાજદ્રોહ) કાયદામાં જે જોગવાઈઓ અને વ્યાખ્યાનું વિવરણ આપેલું છે- એ સ્પષ્ટ નથી, એ જોગવાઈ બંધારણના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
હવે સુપ્રીમમાં દાખલ કરવામાં આવેલા સોંગદનામામાં કેન્દ્રએ કહ્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવની ભાવના અને વડા પ્રધાનની દ્રષ્ટિમાં દેશદ્રોહના કાયદાની જોગવાઈઓની સમીક્ષા અને પુનર્વિચાર કરવાનો નિર્ણય લીધો છે.