સિંધિયાએ ભાડાં-ફ્યુઅલની કિંમતો બાબતે સલાહકાર ગ્રુપ સાથે ચર્ચા કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરલાઇન્સના સલાહકાર જૂથની સાથે વિસ્તૃત વિચારવિમર્શ કર્યો હતો. આ વિચારવિમર્શ વિમાન ભાડાં અને ભારત અને વિદેશોમાં ફ્યુઅલની કિંમતો નિર્ધારિતને લઈ કરવામાં આવ્યો હતો. કેરળના મુખ્ય પ્રધાન પી. વિજયને રવિવારે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય- બંને ક્ષેત્રોનાં હવાઈ ભાડાને ઘટાડવા માટે વડા પ્રધાન મોદીને તત્કાળ હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી. મુખ્ય પ્રધાને વડા પ્રધાનને લખેલા એક પત્રમાં કહ્યું હતું કે હાલમાં ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય – બંને ફ્લાઇટોનાં ભાડામાં નોંધપાત્ર વધી ગયાં છે, જે યાત્રા ઉદ્યોગને નીચે ખેંચી રહ્યા છે, જેથી કેરળ પ્રવાસન ક્ષેત્રે પ્રતિકૂળ અસર પડી છે.

બીજી બાજુ છેલ્લા 17 દિવસોમાં સ્પાઇસ જેટનાં વિમાનોમાં ટેક્નિકલ ખામીની સાત ઘટના નોંધાઈ છે. નાગરિક વિમાનન નિયામક DGCAના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘરેલુ એરલાઇન્સ સ્પાઇસ જેટની બે ફ્લાઇટ્સ મંગળવારે ટેક્નિકલ ખામીનો શિકાર થઈ હતી, જ્યારે સ્પાઇસ જેટના એક અન્ય વિમાન ક્યુ 400ને 23,000 ફૂટ ઊંચાઈએ વિન્ડશીલ્ડ તૂટ્યા પછી એને મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવી હતી.

દિલ્હીથી દુબઈ જઈ રહેલા બોઇંગ 737 મેક્સ વિમાનના ઉડાન દરમ્યાન વિમાનની ટેન્કમાં અસામાન્ય રીતે ફ્યુઅલ બહુ ઓછું થઈ ગયું હતું, જેથી એને અચાનક કરાચીમાં સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. જોકે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે વિમાનની ડાબી બાજુની ટેન્કમાં ફ્યુઅલ લીક નહોતું થયું અને ટેન્કમાં ફ્યુઅલ ઓછું પણ નહોતું થયું.