મુંબઈ : શિવસેના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્રમાં સરકારના ગઠન વિશે મહત્વનું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સુધી શિવસેનાનો જ મુખ્યમંત્રી હશે. અત્યાર સુધી શિવસેનાનું વલણ હતુ કે સરકારનું ગઠન 50-50 ફોર્મ્યુલાના આધારે નક્કી થશે અને શિવસેનાનો મુખ્યમંત્રી અઢી વર્ષ માટે હશે પણ હવે એમાં ફેરફાર થયો છે.
સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રની જનતા ઇચ્છે છે કે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને.
સંજય રાઉતે દાવો કર્યો છે કે આવતા બે દિવસોમાં નક્કી થઈ જશે કે મહારાષ્ટ્રનો સીએમ કોણ બનશે. શુક્રવારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓની બેઠક છે અને એ દિવસે સરકાર ગઠન વિશે ચર્ચા થશે. સંજય રાઉતે ઇશારાઇશારામાં ભાજપ પર નિશાનો સાધતા કહ્યું છે કે મહારાષ્ટ્રની સત્તા દિલ્હીથી નહીં ચાલે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. શુક્રવારે આખો દિવસ અલગઅલગ બેઠકોનો દોર ચાલશે અને સાંજ સુધી સરકાર ગઠનના મામલે મોટું એલાન થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતા આજે રાજ્યપાલની મુલાકાત લઈ શકે છે. ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં આદિત્ય ઠાકરે અને સંજય રાઉત પણ હાજર હતા અને આ મીટિંગ લગભગ એક કલાક ચાલી હતી.