વોટ્સએપ યુઝર્સ માટે ચેતવણી: આ ફાઈલ્સથી સાવધાન રહેજો

નવી દિલ્હી: દેશની સાયબર સુરક્ષા એજન્સી કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ-ઇન્ડિયાએ વોટ્સએપ યુઝર્સને ડેટા લીક થવા અંગે સાવધ કર્યા છે. સીઈઆરટી-ઈન એ કહ્યું છે કે એમપી 4 ફાઈલની સાથે વાઈરસ ફેલાઈ રહ્યો છે. તેને કારણે વોટ્સએપ યુઝર્સની મંજૂરી વિના કે જાણકારી વિના જ તેના ડેટા અને અંગત માહિતી ચોરી થવાનું જોખમ છે.

વોટ્સએપે ખેદ વ્યક્ત કરતા સરકારને જણાવ્યું છે કે આઈસીઈઆરટી આ મુદ્દે તપાસ કરી રહી છે. સરકારે આશા વ્યક્ત કરી છે કે વોટ્સએપ તેની સુરક્ષા વધુ મજબૂત કરશે. કેન્દ્ર સરકારે કહ્યું કે વોટ્સએપ દ્વારા અગાઉ કેટલાક ભારતીયોની ઇઝરાયલી જાસૂસી એપ પેગાસસ દ્વારા જાસૂસી કરાઈ છે. સરકાર લોકોના ખાનગીપણાનો અધિકાર સુરક્ષિત રહે એ માટે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સંસદના આ સત્રમાં તેને રજૂ કરાશે.

સીઈઆરટી-ઈન એ કહ્યું કે, વોટ્સએપમાં એક ખામીની જાણકીર મળી છે. જેના મારફતે હેકર્સ દૂર બેઠા બેઠા જ યૂઝર્સના ઉપકરણમાંથી માહીતી ચોરી શકે છે. તેમણે કહ્યું કે, યૂઝર્સ પોતાના વોટ્સએપમાંથી એમપી 4 ફાઈલ ડાઉનલોડ કરે કે તરત જ તેમના ફોનમાં રહેલી ગુપ્ત માહિતી ચોરી થવાનું જોખમ રહે છે. આના માટે યૂઝર્સની કોઈ પણ મંજૂરીની જરૂર રહેતી નથી. સીઈઆરટી-ઈન એ કહ્યું કે, વોટ્સએપના છથી વધુ  અપડેટમાં આ ખામી રહેલી છે.