સેમ પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસની માનસિકતા બહાર આવીઃ ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ દેશના ગૃહ મંત્રી અમિત શાહે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાના નિવેદનની કડક ટીકા કરી છે. સેમના નિવેદનથી કોંગ્રેસની અસલી માનસિકતા સામે આવી ગઈ છે. સેમ પિત્રોડાની ટિપ્પણી પછી કોંગ્રેસ સંપૂર્ણપણે બેનકાબ થઈ ગઈ છે. 

પહેલાં તેમના ઘોષણાપત્રમાં સર્વેક્ષણનો ઉલ્લેખ, મનમોહન સિંહનું જૂનું નિવેદન- જે કોંગ્રેસની વિરાસત છે, એ એ છે કે દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર અલ્પસંખ્યકોનો છે અને હવે સેમ પિત્રોડાની અમેરિકાનો હવાલો દેતાં ટિપ્પણી કે પૈસાની વહેંચણી પર વિચારવિમર્શ થવો જોઈએ. એનાથી કોંગ્રેસની માનસિકતા માલૂમ પડે છે, એમ તેમણે કહ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં હાલના સમયે કોંગ્રેસનું ઘોષણાપત્ર વિવાદોમાં બનેલું છે. વડા પ્રધાન મોદીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ ભારતના નાગરિકોની સંપત્તિ ગરીબોમાં વહેંચી દેશે. એ દરમ્યાન કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાનું એક નિવેદન વાઇરલ થયું છે.

સેમ પિત્રોડાએ કહ્યું હતું કે અમેરિકામાં વિરાસત ટેક્સ ચાલે છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે તો એના મર્યા બાદ 45 ટકા સંપત્તિ બાળકો પાસે જાય છે, તો 55 ટકા ફી સરકાર પણ લે છે. આ ઘણો રસપ્રદ કાયદો છે. કાયદો કહે છે કે તમારે તમારી બધી સંપત્તિ બાળકો માટે વારસામાં નહીં આપવાની, પણ અડધી પબ્લિક માટે છોડી દેવી જોઈએ.

ભારતમાં એવો કોઈ કાનૂન નથી. જો તમે એક કરોડની પણ કમાણી કરી રહ્યા હો તો મર્યા પછી એ બધા પૈસા બાળકોને મળે છે. પબ્લિક પાસે કંઈ જતું નથી. લોકોએ એના પર ડિબેટ કરવી જોઈએ. હવે મને માલૂમ નથી કે એનો નિષ્કર્ષ શો નીકળશે, પરંતુ કોંગ્રેસ સંપત્તિ વહેંચવાની વાત કરે છે. વાત નવા કાયદાની છે. એ કાયદા આમ આદમીના હિતમાં હોય છે. માત્ર શ્રીમંતોના હિતમાં નહીં, એમ તેમણે કહ્યું હતું.