સંતો, શ્રદ્ધાળુઓએ પ્રતિકાત્મક ‘શાહી સ્નાન’ કર્યું

હરિદ્વારઃ અત્રે કુંભમેળો-2021 સમાપનની તરફ જઈ રહ્યો છે. આજે ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ આ સુપ્રસિદ્ધ યાત્રાધામના મુખ્ય ગંગાઘાટ ‘હર કી પૌડી’ ખાતે વિધિનુસાર ગંગાસ્નાનનો લ્હાવો પ્રાપ્ત કર્યો છે. હરિદ્વાર મહાકુંભ-2021નું આ આખરી શાહી સ્નાન છે. શ્રદ્ધાળુઓએ ગંગાસ્નાન કરીને ઘાટ પરના મંદિરોમાં જઈને પૂજા-અર્ચના પણ કરી હતી.

હાલ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે તેથી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને માન આપીને સાધુ-સંતોએ પ્રતિકાત્મક ગંગાસ્નાન કર્યું હતું. સાધુ-સંતો ઓછી સંખ્યામાં ગંગાસ્નાન માટે ગયા હતા અને મોઢા પર માસ્ક પહેરીને સ્નાન કર્યું હતું. સાથોસાથ, એકબીજાથી અંતર રાખીને સ્નાન કરવાની તકેદારી પણ રાખી હતી.