નૈનિતાલઃ ઉત્તરાખંડ હાઇકોર્ટે રાજ્યના એડવોકેટ જનરલની એ દલીલને ફગાવી દીધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મંદિરમાં પૂજાપાઠના લાઇવ પ્રસારણને શાસ્ત્ર અનુમતિ નથી આપતાં. કેટલાક દિવસો પહેલાં હાઈકોર્ટે ચારધામની યાત્રા પર પ્રતિબંધ લગાવતાં ત્યાંની પૂજા-અનુષ્ઠાનોનું લાઇવ પ્રસારણ કરવા નિર્દેશ આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ભારત લોકશાહીનો દેશ છે, જ્યાં કાયદાનું શાસન છે, શાસ્ત્રોનું નહીં.
ચીફ જસ્ટિસ આરએસ ચૌહાણ અને જસ્ટિસ આલોક કુમાર વર્માની ખંડપીઠે એજી એસએન બાબુલકરને કહ્યું હતું કે તેઓ ધાર્મિક તર્ક ના આપે, કેમ કે એનો કોઈ કાનૂની આધાર નથી. જો કોઈ એવો આઇટી એક્ટ છે તો કૃપા કરીને અમને જણાવો કે મંદિરમાં થતા પૂજા-અનુષ્ઠાનનું લાઇવ સ્ટ્રિમિંગ કેમ નથી કરી શકાતું, એમ કોર્ટે કહ્યું હતું.
એજીએ જવાબમાં કહ્યું હતું કે મંદિરોમાં પૂજાપાઠના લાઇવ સ્ટ્રિમિંગનો નિર્ણય દેવસ્થાનમ બોર્ડને લેવાની મંજૂરી આપવામાં આવે. કેટલાક પૂજારીઓનું કહેવું છે કે હિન્દુ શાસ્ત્ર આ વિધિના લાઇવ પ્રસારણને અનુમતિ નથી આપતા. આ વાતે કોર્ટે તીખી ટિપ્પણી કરી હતી. કોર્ટે એ બાબતે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે શાસ્ત્ર આ દેશનું નિયંત્રણ નથી કરતા. આ દેશનું નિયંત્રણ અને એના ભવિષ્યનું માર્ગદર્શન ભારતનું બંધારણ દ્વારા થાય છે. અમે બંધારણ અને એના કાયદાઓની ઉપર નથી જઈ શકતા. ભારતમાં કાનૂનનું શાસન છે, શાસ્ત્રોનું નહીં.