નવી દિલ્હી: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસ અનેક રીતે મહત્વનો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ ભારત પ્રવાસ દરમ્યાન મોટી ડિફેન્સ ડીલ થાય તેવી શક્યતા છે. આ ડિફેન્સ ડીલમાં ભારતીય નૌકાદળને અમેરિકામાં નિર્માણ થયેલા MH-60 રોમિયો મલ્ટીરોડ હેલિકોપ્ટર ખરીદવાની મંજૂરી મળી શકે છે. ભારત અમેરિકા પાસેથી આ પ્રકારના 24 હેલિકોપ્ટર ખરીદવા માંગે છે, જેની અંદાજીત કિંમત 1.86 ટ્રિલિયન રૂપિયા આંકવામાં આવી રહી છે.
MH-60 રોમિયો હેલિકોપ્ટરની ખાસિયત અંગે
MH-60 રોમિયો હેલિકોપ્ટરની સૌથી મોટી વિશેષતાએ છે કે, તે એન્ટી-સબમરીન પર હુમલો કરવા માટે માહેર છે. આ હેલિકોપ્ટરોને અમેરિકાની ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિને તૈયાર કર્યું છે. એવુ માનવામાં આવે છે કે, 4th જનરેશનનું આ હેલિકોપ્ટર સમગ્ર વિશ્વમાં નૌકાદળમાં ઉપયોગમાં લેવાતુ આજના સમયનું સૌથી એડવાન્સ હેલિકોપ્ટર છે.
લોકહીડ માર્ટિનની વેબસાઈટ અનુસાર આ એક મલ્ટીરોલ હેલિકોપ્ટર છે, જે દરેક ઋતુમાં અને કોઈ પણ સમયે દુશ્મનો પર હુમલો કરવામાં સક્ષમ છે. આ હેલિકોપ્ટરની બે મોટી વિશેષતાઓની જો વાત કરવામાં આવે તો આ હેલિકોપ્ટર પાણીમાં ઊંડે રહેલી સબમરીન પર સરળતાથી હુમલો કરી શકે છે તેમજ હવામાંથી જ જમીન સ્તર પર પણ હુમલો કરી શકે છે. આ ઉપરાંત આ હેલિકોપ્ટરમાં એન્ટી-સબમરીન માર્ક 54 ટારપીડો આપવામાં આવ્યું છે જે પાણીમાં છૂપાઈને રહેલી સબમરીનને ટાર્ગેટ બનાવે છે. તો હેલફાયર એર ટૂ સરફેસ મિસાઈલ જહાજોને નિશાન બનાવવામાં સક્ષમ છે. એટલે કે, દુશ્મન સમુદ્રની સપાટી પર હોય કે, પાણીની અંદર આ હેલિકોપ્ટ તેને ખત્મ કરી શકે છે.
હકીકતમાં MH-60R હેલિકોપ્ટરનું કોકપિટ સૌથી એડવાન્સ ટેકનીકથી બનાવવામાં આવ્યું છે. હુમલો કરવા ઉપરાંત આ સૈનિકાના ટ્રાન્સપોર્ટેશન માટે પણ સક્ષમ છે. આ હેલિકોપ્ટરમાં ફ્યૂલ ટેન્કથી લઈને સેટેલાઈટથી મળતા ઈનપુટ સુધીની તમામ વસ્તુઓ ઈન્ટરકનેક્ટેડ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ અમેરિકા સાથે ભારતની આ ડીલનો અન્ય એક ફાયદો પણ છે જ્યારે કોઈ અમેરિકન હથિયાર ભારતની સરહદ પર તૈનાત હશે તો જરૂર પડયે અમેરિકા પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. અમેરિકાનો ઉદેશ્ય ચીનને સાઉથ ચાઈના સમુદ્રમાં આગળ વધતુ અટકાવવાનો છે.