પટના- રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેમજ વિધાનસભામાં વિપક્ષ નેતા તેજસ્વી યાદવે બિહારના સીએમ નીતિશ કુમાર પર જાસુસી કરવાનો આરોપ લગાવ્યો છે. તેજસ્વીએ આરોપ લગાવ્યો છે કે, સીએમ નીતિશ કુમાર તેમના સત્તાવાર નિવાસની દિવાલ પર સીસીટીવી કેમેરા લગાવીને નજર રાખી રહ્યા છે.
બિહારના ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન, તેજસ્વીનો બંગલો પટણામાં, 5 દેશ રત્ન માર્ગ પર સ્થિત છે. તેમનો આ બંગલો મુખ્યપ્રધાન નીતીશ કુમારના 7, સર્કુલર રોડ પર સ્થિત બંગલાની એકદમ પાછળના ભાગમાં આવેલો છે. તેજસ્વીએ ટ્વિટર દ્વારા નિતીશ પર આરોપ લગાવતા કહ્યું કે, “નીતિશજી, તમારી પોલીસ અને તમારી સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ અમારા બેડરૂમમાં, ઘરની અંદર, રસોડામાં, ઓફિસ વગેરે પર 360 ડિગ્રીનો HD કૅમેરો મૂકીને નજર રાખવાનો કોઈ અઘિકાર નથી. તમે અમારા ઘરની બહારના મુખ્ય દ્વાર પર કૅમેરો લગાવો અમને કોઈ પ્રોબ્લેમ નથી.
તેજસ્વી યાદવે કહ્યું કે, શું આ નીતિશજીનું સુરક્ષાને લઈને પાગલપન છે. કે ફરી અસુરક્ષા, નિરાશા અને ડર જેવાં કારણો છે. જે કારણે તેઓએ એકમાત્ર કેમેરાને ઠીક મારા અને તેમના ઘરની બાઉન્ડ્રી વોલ પર લગાવ્યાં છે. જ્યારે ત્યાં પહેલાંથી સ્થાયી સુરક્ષા ચોકી તહેનાત છે, તો પછી તેઓને ત્યાં કેમેરાની જરૂર કેમ પડી?
તેજસ્વીએ ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે. તેઓએ લખ્યું કે- મુખ્યપ્રધાન આવાસ ત્રણ તરફથી મેઈન રોડથી ઘેરાયેલું છે. વિપક્ષના નેતાનું ઘર ચોથી બાજુ છે. મુખ્યપ્રધાને પોતાના રાજનીતિક વિરોધીના ઘર તરફ સીસીટીવી લગાડવાની જરૂર કેમ પડી? મુખ્યપ્રધાનની આ તુચ્છ ચાલ છે.
જેડીયુના પ્રવક્તા સંજય સિંહે કહ્યું કે, તેજસ્વીજી એક કેમેરાને લઈને આટલા ડરી કેમ રહ્યા છે. સીસીટીવી તેમના બેડરૂમમાં લગાવવામાં નથી આવ્યા ને.