મુંબઈઃ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ કંપનીઓ દેશમાં 5G સેવાના આરંભિક તબક્કા દરમિયાન સેવાના ચાર્જિસમાં કદાચ વધારો નહીં કરે. 5G ટેક્નોલોજીવાળા હેન્ડસેટ્સનું વેચાણ હજી ઘણું ઓછું છે અને ઘણા હેન્ડસેટ્સ 5Gને સપોર્ટ કરવા અસમર્થ હોવાને કારણે બંને કંપનીએ 5G સેવાઓ માટેના ચાર્જિસમાં વધારો ન કરવાનું નક્કી કર્યું છે એવું ફાઈનાન્સિયલ એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
હાલમાં 60 કરોડમાંથી માત્ર 8 કરોડ હેન્ડસેટ્સને જ 5G સક્ષમ કરી શકાયા છે. આ કંપનીઓ એમના વર્તમાન યૂઝર્સને એમના હાલના 4G પ્લાન્સને 5G સેવામાં કદાચ અપગ્રેડ કરી આપશે. આવું એટલા માટે શક્ય બનશે કે નેટવર્કને 4Gમાંથી 5Gમાં અપગ્રેડ કરવા માટે સીમ કાર્ડ બદલવાની જરૂર નહીં રહે. પરંતુ, 3Gમાંથી 4Gમાં માઈગ્રેટ કરતા યૂઝર્સને સીમ કાર્ડ બદલવાની જરૂર પડે છે. 4G કરતાં 5G સેવામાં, ડેટા વપરાશની સ્પીડ ઘણી વધારે હશે. એવું મનાય છે કે આવતા ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન, દેશમાં 14 ટકા જેટલા ફોનને 5G એનેબલ્ડ કરી દેવામાં આવશે.
