અમરનાથ યાત્રા માટે 11-એપ્રિલથી રજિસ્ટ્રેશન શરૂ થશે

નવી દિલ્હીઃ બાબા બર્ફાનીનાં દર્શન કરવાવાળા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર છે. છેલ્લાં બે વર્ષ પછી અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થવાની છે અને એ માટે શ્રદ્ધાળુઓ 11 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે, એમ શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના CEO નીતીશ્વર કુમારે માહિતી આપી હતી. બધા દર્શનાર્થીઓ અને અમરનાથ યાત્રા-2022 માટે રજિસ્ટ્રેશન 11 એપ્રિલથી કરાવી શકશે, એમ અમરનાથ શ્રાઇન બોર્ડે (SASB)એ ટ્વીટ કરીને જણાવ્યું હતું. આ યાત્રા 43 દિવસો સુધી ચાલશે અને એનું સમાપન 11 ઓગસ્ટ, 2022એ થશે. દર્શનાર્થીઓ અમરનાથ યાત્રાઓનું રજિસ્ટ્રેશન વેબસાઇટ અને શ્રાઇન બોર્ડની મોબાઇલ એપ દ્વારા પણ કરાવી શકશે, એમ બોર્ડે સત્તાવાર જણાવ્યું હતું.

કુમારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લા માટે યાત્રી નિવાસની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં 3000 દર્શનાર્થીઓ માટે રહેવાની જગ્યા છે. આ વર્ષે શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના અંદાજ અનુસાર  બાબા બર્ફાનીનાં દર્શન માટે સરેરાશ ત્રણ લાખ શ્રદ્ધાળુઓ મુલાકાત લે એવી વકી છે.

બાબા બર્ફાનીની યાત્રા માટે આરોગ્ય પ્રમાણપત્ર બનાવવું શ્રદ્ધાળુઓ માટે ફરજિયાત છે. અત્યાર સુધી 22 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ડોક્ટરોની યાદી શ્રાઇન બોર્ડે જારી કરી દીધી છે.

ડોક્ટરોનું કહેવું  છે કે બાબા અમરનાથનો રસ્તો દુર્ગમ હોવાને લીધે ત્યાં માત્ર સ્વસ્થ વ્યક્તિ જ દર્શન માટે જઈ શકે છે. જેથી જરૂરી ટેસ્ટ કરાવ્યા પછી શ્રદ્ધાળુઓ આરોગ્યનું પ્રમાણપત્ર જારી કરવામાં આવે છે.