વીજમાગમાં રેકોર્ડ વધારોઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગરમીમાં રાહત

નવી દિલ્હીઃ દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં કાળઝાળ ગરમીનો કહેર ચાલી રહ્યો છે અને હાલ 43થી 45 ડિગ્રી તાપમાન ચાલી રહ્યું છે, પણ જો તમે ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ કે રાજસ્થાન જેવાં રાજ્યોમાં રહેતા હો તમારા માટે સારા ખબર છે. હવામાન વિભાગના તાજા અંદાજ મુજબ બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મેના પ્રારંભે ગરમીમાંથી રાહત આપે એવી શક્યતા છે. જેને લીધે અંગ દઝાડતી ગરમીવાળાં રાજ્યોમાં ઝરમર વરસાદ થવાની શક્યતા છે. જેથી તાપમાનમાં ઘટાડો થશે.

ઉત્તર-પશ્ચિમ અને સેન્ટ્રલ ઇન્ડિયામાં જબરદસ્ત હીટ વેવ ચાલી રહી છે. એનાથી લોકોના હાલ-બેહાલ છે. યુપીમાં તો તાપમાન 47 ડિગ્રી પાર થયું છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને વિદર્ભમાં આગામી ત્રણ દિવસ લૂ લાગવાની ચેતવણી જારી કરવામાં આવી હતી. હવામાન વિભાગના તાજા અનુમાનમાં કહેવામાં આવ્યું હતું કે બીજી મેની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાની આશા છે. જેથી ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ત્રીજી-ચોથી મેએ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.

બીજી બાજુ, દેશનાં કેટલાંક રાજ્યોમાં વીજ સંકટ અને ભીષણ લૂના કહેર વચ્ચે વીજ માગે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. ગઈ કાલે વીજ માગ 2,07,111 મેગાવોટના સ્તરે પહોંચી હતી. આ પહેલાં ગુરુવારે વીજ માગ 2,04,650 મેગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. દિલ્હીમાં વીજ સંકટની વચ્ચે છેલ્લા 48 કલાકમાં વીજ માગમાં 7.1 ટકાનો વધારો નોંધાયો હતો.