RBL, સાઉથ ઇન્ડિયન અને કર્ણાટક બેન્કે અફવાઓ પર સ્પષ્ટતા કરી

નવી દિલ્હીઃ યસ બેન્કની નાણાકીય કટોકટી પછી કેટલીય અન્ય ખાનગી બેન્કો વિશે સોશિયલ મિડિયા પર અનેક અફવાઓ ચાલી રહી છે. જેથી આરબીએલ બેન્ક કર્ણાટક બેન્ક અને સાઉથ ઇન્ડિયન બેન્કે સ્પષ્ટતા કરવી પડી હતી. આ ત્રણે બેન્કોએ પોતાના ગ્રાહકોને અફવાઓ વિશે કહ્યું હતું કે એની નાણાકીય સ્થિતિ મજબૂત અને સ્થિર છે. કોઈ પણ પ્રકારની અફવાઓ ખોટી છે અને સત્યથી વેગળી છે.

રિઝર્વ બેન્કે પણ ટ્વીટ કર્યું

આ પહેલાં રિઝર્વ બેન્કે પણ એક પછી એક બે ટ્વીટમાં જણાવ્યું હતું કે કેટલીક અન્ય ખાનગી બેન્કોને લઈને અફવાઓ ચાલી રહી છે, જે સદંતર ખોટી છે. ડિપોઝિટર્સના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

ટીવી ચેનલના અહેવાલે અફવા પ્રસરી

એક ટીવી ચેનલે આરબીએલ બેન્ક, કર્ણાટક બેન્ક અને સાઉથ ઇન્ડિયન બેન્કની મૂડી અને કુલ રકમ જમા વિશે ઉલ્લેખ કર્યો હતો. જેથી આ અહેવાલ સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. ત્યાર બાદ ત્રણ બેન્કોએ તેમની સ્થિતિ વિશે સ્પષ્ટીકરણ જારી કર્યું હતું. આરબીએલ બેન્કે નિવેદન જારી કરતાં કહ્યું હતું કે એની નાણાકીય સ્થિતિ મજબૂત છે. અને કોઈ પણ પ્રકારની અફવા નિરાધાર છે. કર્ણાટક બેન્કે પણ કહ્યું હતું કે એની નાણાકીય સ્થિતિ પણ ઘણી મજબૂત છે અને રોકાણકારોએ કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. આ જ રીતે સાઉથ ઇન્ડિયન બેન્કે પણ કહ્યું હતું કે એનો કેપિટલ ટુ રિસ્ક એસેટ્સ રેશિયો જાન્યુઆરીના અંતે 13.12 ટકા હતો, જે આરબીઆઇના નિયમો કરતાં પણ વધુ છે.