નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ સાથે જોડાયેલી ડીલના દસ્તાવેજો ગાયબ થવા અને સુપ્રીમ કોર્ટમાં એટોર્ની જનરલના નિવેદનને લઈને બીજેપી પર નિશાન સાધ્યું છે. ત્યાર બાદ કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદે પલટવાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી કેટલો રાગ આલાપશે. રાહુલ ગાંધીને કોઈપણ ભરોસો નથી. શું તેમને પાકિસ્તાન પાસેથી સર્ટિફિકેટ જોઈએ છીએ? રવિશંકર પ્રસાદે રાહુલના આરોપોને પાયાવિહોણાં અને શરમજનક ગણાવ્યાં.
આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદી પર સીધો જ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. આના જવાબમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે અમે રાહુલ ગાંધી દ્વારા બોલવામાં આવેલા અસત્યની ટિકા કરીએ છીએ. તેમણે ભારતીય વાયુસેના પર વિશ્વાસ નથી. તેમને સુપ્રીમ કોર્ટની વાત પર વિશ્વાસ નથી. કેગનો રિપોર્ટ પણ તેઓ માનવા ઈચ્છતા નથી. તો શું રાહુલ ગાંધી માત્ર પાકિસ્તાન પર વિશ્વાસ કરવા ઈચ્છે છે? શું તેઓ જાણીજોઈને અથવા અજાણ્યામાં રાફેલના પ્રતિદ્વંદિઓના હાથોની કઠપુતળી બની ગયા છે? રવિશંકરે કહ્યું કે રાહુલના આરોપો પૂર્ણતઃ પાયાવિહોણા છે અને શરમજનક છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સીધો શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે પઠાણકોટ આતંકી હુમલાની તપાસ માટે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈને બોલાવનારા મોદીજી પાકિસ્તાનના પોસ્ટર બોય છે. ત્યારબાદ રાહુલે રાફેલ મામલાની ફાઈલ ગાયબ થયા બાદ કહ્યું કે કેન્દ્ર સરકાર નવી લાઈન લાવી છે કે ગાયબ થઈ ગયું. પહેલા 2 કરોડ યુવાનોનો રોજગાર ગાયબ થઈ ગયો, પછી ખેડુતોના પૈસા ગાયબ થયા અને હવે તો રાફેલની ફાઈલો પણ ગાયબ થઈ ગઈ. તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીએ 30 હજાર કરોડ રુપિયા પોતાના મીત્ર અનિલ અંબાણીના ખીસ્સામાં નાંખ્યા.