લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી; રાહુલ અમેઠીમાંથી ચૂંટણી લડશે

નવી દિલ્હી – 17મી લોકસભા માટેની ચૂંટણી આવતા એપ્રિલ-મે મહિનામાં નિર્ધારિત છે. ચૂંટણી પંચે હજી એ માટેની તારીખ જાહેર કરી નથી, પણ મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે તો પોતાનાં 15 ઉમેદવારોની પહેલી યાદી આજે જાહેર કરી દીધી છે.

પક્ષપ્રમુખ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી જ ફરી ચૂંટણી લડશે જ્યારે એમના માતા તથા યુનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી ફરી રાયબરેલીમાંથી જ ચૂંટણી લડશે.

અગાઉ એવી અફવા હતી કે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીનાં મહામંત્રી અને સોનિયાનાં પુત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા રાયબરેલીમાંથી ચૂંટણી લડશે. આ બેઠક સોનિયા ગાંધી છેલ્લી પાંચ મુદતથી જાળવતાં આવ્યાં છે.

પહેલી યાદીમાં, કોંગ્રેસે ગુજરાતમાં પોતાનાં ચાર ઉમદેવારોને પસંદ કર્યા છે જ્યારે ઉત્તર પ્રદેશમાંથી 11 નેતાઓને પસંદ કર્યા છે.

ગુજરાતમાં આ ચાર બેઠક છેઃ અમદાવાદ વેસ્ટ – અનુસૂચિત જાતિ, આણંદ, વડોદરા અને છોટા ઉદયપુર-અનુસૂચિત જાતિ.

અમદાવાદ-વેસ્ટ બેઠક માટે રાજુ પરમાર, આણંદ માટે ભરતસિંહ સોલંકી, વડોદરા માટે પ્રશાંત પટેલ અને છોટા ઉદયપુર માટે રણજીત રાઠવાને પસંદ કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશમાંથી પસંદ કરાયેલા 11 નેતાઓ છેઃ ઈમરાન મસુદ (સહારનપુર), સલીમ ઈકબાલ શેરવાની (બદાયૂં), જિતીન પ્રસાદ (ધૌરારા), શ્રીમતી અનુ ટંડન (ઉનાવ), સલમાન ખુર્શીદ (ફર્રૂખાબાદ), રાજારામ પાલ (અકબરપુર), બ્રિજલાલ ખાબડી (જલૌં-એસટી), નિર્મલ ખત્રી (ફૈઝાબાદ) અને આર.પી.એન. સિંઘ (કુશી નગર).