રેપ-મર્ડર કેસ વિરુદ્ધ નબન્ના માર્ચઃ ભાજપ-TMC સામસામે

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કોલકાતા રેપ-હત્યા મામલાના વિરોધમાં પશ્ચિમ બંગા છાત્ર સમાજ સંગઠને નબન્ના અભિયાન કાઢવાનું એલાન કર્યું છે. એ દરમ્યાન વિદ્યાર્થીઓ એક મોટી રેલી કાઢશે. ભાજપે નબન્ના અભિયાનને ટેકો આપ્યો છે. ડાબેરી પક્ષોએ એને ભાજપ અને RSSનું કાવતરું બતાવ્યું છે. આ માર્ચનો મુદ્દો પણ હાઇકોર્ટ પહોંચ્યો છે.

આ માર્ચમાં કોઈ હિંસા ન થાય એ માટે પોલીસ હાઈ એલર્ટ મોડ પર હોવાનું જણાય છે. પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવાલયનું નામ નબાન્નો છે. ત્યાં જ મમતા બેનર્જી અને અન્ય ટોચના મંત્રીઓ અને અધિકારીઓની ઓફિસ છે. આથી આંદોલનકારીઓએ રાજ્ય સચિવાલય સુધી વિરોધ માર્ચ કાઢવાની જાહેરાત કરી છે.

નબન્ના અભિયાનને ધ્યાનમાં રાખીને  કોલકાતા પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ માટે શહેરમાં 6000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય 19 પોઇન્ટ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. નબન્ના ભવનની બહાર ત્રિસ્તરીય સુરક્ષા કરવામાં આવી છે. ઓફિસોમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત નબન્ના ભવનની આસપાસ 160થી વધુ DCRF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને DGP નબન્ના ભવનમાં હાજર રહેશે. CM મમતા બેનર્જી પણ નબન્ના ભવન આવી શકે છે.

TMC એ નબન્ના અભિયાનને લઈને ભાજપ પર પ્રહારો કર્યા છે. ભાજપનો દાવો છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાને બચાવવા માટે પોલીસની મદદ લઈ રહી છે. વિરોધ વચ્ચે પોલીસનું કહેવું છે કે UGCNET પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે તેમના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.