ચારા કૌભાંડમાં લાલુ પ્રસાદનો જેલયોગ વધે એવા યોગ છે…

રાંચીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચારા કૌભાંડ મામલે ઝારખંડ ઉચ્ચ ન્યાયાલયે તેમની સજા વધારવાની સીબીઆઈની અપીલ સુનાવણી માટે મંજૂર કરી દીધી છે. ઝારખંડ હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ એ. કે. ગુપ્તા અને રાજેશ કુમારની ખંડપીઠે સીબીઆઈની એ અપીલને સુનાવણી માટે સ્વીકારી લીધી કે જેમાં લાલુ પ્રસાદ સહિત સાત લોકોની સજા વધારવાની માંગ કરવામાં આવી છે.

સુનાવણી દરમિયાન લાલુ પ્રસાદ દ્વારા સીબીઆઈની અપીલનો જોરદાર વિરોધ પણ કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે સીબીઆઈએ સજા વધારવાની અરજી કરવામાં 211 દિવસ મોડું કર્યું છે અને એટલા માટે તેમની અરજી પર સુનાવણી ન કરવામાં આવે. તેમના દ્વારા લાલુના જ એક મામલે સુપ્રીમ કોર્ટેના આદેશનો હવાલો આપવામાં આવ્યો કે જેમાં કહેવામાં આવ્યું છે કે આટલા ગંભીર અને મહત્વપૂર્ણ મામલામાં સીબીઆઈને સમય મર્યાદામાં જ અરજી દાખલ કરવી જોઈએ. આ સિવાય લાલુ યાદવના વકીલોએ તર્ક આપ્યો કે સીબીઆઈ દ્વારા સજા વધારવાની માંગ ખોટી છે કારણ કે સીબીઆઈ કોર્ટે આ મામલે ઘણા લોકો અલગ-અલગ સમયની સજા સંભળાવી છે.

સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, ચારા કૌભાંડના આ મામલે તમામ આરોપીઓ પર એક જ આરોપ છે કે સજા પણ એક જ હોવી જોઈએ. બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે અરજી દાખલ કરવામાં જે મોડુ થયું તે વાતને પણ અવગણીને સીબીઆઈની અરજીને સુનાવણી માટે સ્વીકારી લીધી. સીબીઆઈની વિશેષ કોર્ટે આ મામલે આદેશ આવ્યાના ત્રણ મહિનાની અંદર જ અરજી દાખલ કરવાનો નિયમ છે પરંતુ આ મામલે સીબીઆઈએ સમય મર્યાદાના 211 દિવસ બાદ કોર્ટમાં સજા વધારવા માટે અપીલ કરી છે.