હરિદ્વાર (ઉત્તરાખંડ) – હિન્દુધર્મીઓનાં પવિત્ર ગ્રંથ રામાયણ અને મહાભારતમાં હિંસા અને યુદ્ધની અનેક વાતો છે એવી ટિપ્પણી કરનાર માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ના મહામંત્રી સીતારામ યેચુરી સામે યોગ ગુરુ બાબા રામદેવે પોલીસ એફઆઈઆર નોંધાવી છે.
રામદેવે હરિદ્વારના પોલીસ સ્ટેશનમાં યેચુરી સામે ફરિયાદ નોંધાવી છે.
સાથોસાથ બાબા રામદેવે કહ્યું છે કે યેચુરીએ પોતાનું નામ સીતારામ બદલીને રાવણ કરી લેવું જોઈએ.
યેચુરીના નિવેદન સામે હરિદ્વારના સંત સમાજે પણ સખત વાંધો ઉઠાવ્યો છે.
યેચુરીની ટિપ્પણી બાદ હરિદ્વારમાં શંકરાચાર્ય સ્વામી સત્યમિત્રાનંદ ગિરી મહારાજના હરિપુર સ્થિત આશ્રમમાં ગઈ કાલે સંતોની બેઠક યોજવામાં આવી હતી. એમાં યેચુરીના નિવેદનને વખોડી કાઢવામાં આવ્યુું હતું.
યોગ ગુરુ બાબા રામદેવે એમ પણ કહ્યું કે જેનું નામ સીતારામ હોય એ જ જો ભગવાન રામ વિશે ખરાબ ટિપ્પણી કરે અને હિંદુઓને હિંસક જણાવે તો એણે પોતાનું નામ બદલીને રાવણ, કંસ, બાબર, તૈમૂર જેવું કોઈક નામ રાખી લેવું જોઈએ.
રામદેવે કહ્યું કે યેચુરીએ સંસ્કૃત ભણવાની જરૂર છે. એમણે વેદ, ભાગવત અને રામાયણ વાંચવાની જરૂર છે.
રામદેવે કહ્યું છે કે સમગ્ર દેશે આવા સામ્યવાદીઓનો બહિષ્કાર કરવો જોઈએ અને જે જે રાજ્યમાં સામ્યવાદીઓની સરકાર છે ત્યાં હિન્દુઓએ એમનો બહિષ્કાર કરવો જોઈએ. જ્યાં સુધી યેચુરી માફી ન માગે ત્યાં સુધી એ બહિષ્કાર ચાલુ રાખવો જોઈએ.
ભોપાલમાં કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજય સિંહ માટે ચૂંટણી પ્રચાર કરવા ગયેલા યેચુરીએ એક સભામાં હિન્દુ અને હિંસા વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. એમણે કહ્યું હતું કે એક પ્રચારક હોવાને નાતે તમે મહાકાવ્યોનું વર્ણન કરો છો અને પાછા દાવા કરો છો કે હિન્દુ હિંસક હોઈ ન શકે. આનો મતલબ શું? એક ધર્મ છે જેમાં હિંસા સામેલ છે અને આપણે હિન્દુઓ એમ કહીએ છીએ કે આપણે એવા નથી. રામાયણ અને મહાભારત પણ લડાઈ અને હિંસાથી ભરેલા હતા.