અયોધ્યા – રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવા માટેનો માર્ગ સુપ્રીમ કોર્ટે મોકળો કરી આપ્યો છે અને એ માટે એક ટ્રસ્ટ ત્રણ મહિનામાં બનાવવાનો કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે. સરકારે એ માટેની તૈયારી શરૂ પણ કરી દીધી છે.
આ ટ્રસ્ટમાં પોતાને મહત્ત્વની ભૂમિકા આપવાની નિર્મોહી અખાડાએ માગણી કરી છે. એ માટે તેના પ્રતિનિધિઓ આવતા અઠવાડિયે નવી દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે.
ટ્રસ્ટનું પ્રમુખપદ નિર્મોહી અખાડાને મળવું જોઈએ એવો નિર્ણય સાધુ-સંતોની ગઈ કાલે યોજાઈ ગયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. અખાડાના પ્રવક્તા રણજીતલાલ વર્માએ કહ્યું કે રામ જન્મભૂમિ મંદિર નિર્માણમાં નિર્મોહી અખાડાની ઐતિહાસિક ઉપસ્થિતિ રહી છે અને રામલલાની પૂજા કરવાનો અધિકાર હંમેશાં નિર્મોહી અખાડા પાસે રહ્યો છે.
અખાડાના મહંત દિનેન્દ્રદાસનું કહેવું છે કે મંદિર નિર્માણમાં નિર્મોહી અખાડા સકારાત્મક ભૂમિકા ભજવશે.
અયોધ્યા જમીન વિવાદ કેસમાં નિર્મોહી અખાડા સંસ્થા એક પક્ષકાર રહી છે. રામલલાની પૂજા કરવાના અધિકારની નિર્મોહી અખાડા સતત માગણી કરે છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એવો પણ આદેશ આપ્યો છે કે તે સૂચિત ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધિત્વ આપે.
સોમનાથ મંદિરની જેવું ટ્રસ્ટ બનાવાશે
સૂત્રોના જણાવ્યા મુજબ, અયોધ્યાના રામ મંદિર માટે કેન્દ્ર સરકાર ગુજરાતના સોમનાથ મંદિર માટે બનાવેલા ટ્રસ્ટ જેવું જ ટ્રસ્ટ બનાવવા પર વિચાર કરે છે.
આ ટ્રસ્ટ મંદિર નિર્માણ કાર્ય પર દેખરેખ રાખશે.
સોમનાથ ટ્રસ્ટમાં છ સદસ્ય છે જ્યારે રામ મંદિર ટ્રસ્ટમાં સદસ્યોની સંખ્યા 14-17 હોઈ શકે છે.
નવું ટ્રસ્ટ કેન્દ્રના સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત રજિસ્ટર્ડ રહેશે. રામ મંદિર નિર્માણની કામગીરી પર એ ટ્રસ્ટ જ બધી દેખરેખ રાખશે.
ટ્રસ્ટમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવશે.
ટ્રસ્ટના સભ્યો કોણ બનશે એ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી લેશે.
ગઈ 9 નવેંબરે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે તે અયોધ્યાની વિવાદાસ્પદ 2.77 એકર જમીન રામલલા બિરાજમાનને સુપરત કરી દે અને મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની સ્થાપના કરે.