રાજીવ ગાંધીનો હત્યારો કહે છે, ‘ફાંસીની સજાની જરૂર નથી’

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધી હત્યા કેસના અપરાધી એ.જી. પેરારીવાલનને આજીવન કેદની સજાના 30 વર્ષ પૂરા કર્યા બાદ આજે જેલમાંથી છોડી મૂકવામાં આવ્યો. એના છૂટકારાને એના પરિવારજનો, સગાંસંબંધીઓ, તામિલ-તરફી અનેક સંગઠનો તથા તામિલનાડુના અનેક નેતાઓએ આવકાર આપ્યો છે. આમાં તામિલનાડુના મુખ્ય પ્રધાન અને ડીએમકે પાર્ટીના નેતા સ્ટાલીન, MDMK પાર્ટીના સ્થાપક વાઈકો અને PMK પાર્ટીના એસ. રામદોસનો સમાવેશ થાય છે.

જેલમાંથી છૂટ્યા બાદ પેરારીવાલને કહ્યું કે, ‘પહેલા તો મારે આઝાદીની હવાને શ્વાસમાં ભરવી છે, પછી હું મારા ભવિષ્ય વિશે વિચારીશ. મારું મક્કમપણે માનવું છે કે ફાંસીની સજાની કોઈ જરૂર નથી. દરેક જણ માણસ હોય છે.’ 1991ની 21 મેએ તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક ચૂંટણી સભા વખતે એલટીટીઈ ત્રાસવાદી સંગઠનના એક આત્મઘાતી બોમ્બરે કરેલા હુમલામાં રાજીવ ગાંધીનું મૃત્યુ થયું હતું. ચેન્નાઈમાં એક વિશેષ અદાલતે પેરારીવાલનને પહેલાં ફાંસીની સજા ફરમાવી હતી, પરંતુ બાદમાં એ સજાને આજીવન કેદની સજામાં ફેરવી હતી.