મહિનામાં બીજી વાર ભાવવધારો; LPG-સિલિન્ડર રૂ.1000ને પાર

નવી દિલ્હીઃ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહેલી જનતા માટે મે મહિનો વધારે ખરાબ રહ્યો છે. કારણ કે આ મહિનામાં રાંધણગેસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં બીજી વાર વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ તેમજ કમર્શિયલ, બંને વપરાશ માટેના સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો છે.

ઘરેલુ વપરાશના સિલિન્ડરના ભાવમાં આજે રૂ. 3.50નો વધારો કરાયો છે જ્યારે કમર્શિયલ વપરાશ માટેનું સિલિન્ડર વધુ 8 રૂપિયા મોંઘું થયું છે. આ પહેલાં ગઈ 7મેએ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો અને કમર્શિયલ સિલિન્ડરમાં 10 રૂપિયાનો વધારો કરાયો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને આર્થિક પાટનગર મુંબઈમાં 14.5 કિ.ગ્રા. ગેસ-વજનવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ.1000ને પાર ગયો છે. ગયા વર્ષે તે રૂ.809 હતો, આજે રૂ.1003 થયો છે. કોલકાતામાં રૂ. 1029 અને ચેન્નાઈમાં રૂ.1018.50 પર પહોંચી ગયો છે.

19 કિલો વજનના કમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ હવે દિલ્હીમાં રૂ.2,356, મુંબઈમાં રૂ.2,306 થયો છે.