ભારતીય રેલવે કરશે જાસૂસોની નિમણૂક!

નવી દિલ્હી- ભારતીય રેલવે તેની સેવાઓની ગુણવત્તા સુધારવા મોટું પરિવર્તન કરી રહી છે. ભારતીય રેલવે એ સુનિશ્ચિત કરવા માગે છે કે, તેની સેવાઓ ખામીયુક્ત ન રહે.

ખામીયુક્ત સેવાઓને સુધારવા રેલવેએ ‘અંડર કવર’ માણસોને નોકરી પર રાખવાનું આયોજન કર્યું છે. આ અંગેની જાણકારી રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.રેલવે મંત્રાલયના અધિકારીઓએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, જે ‘અંડર કવર’ જાસૂસોની નિમણૂક કરવામાં આવશે તે સાદા કપડામાં રહેશે અને તેઓ રેલવે સ્ટેશન્સ પરની સેવા, ખોરાકની ગુણવત્તા, સ્ટાફનું વર્તન અને અન્ય સેવાઓની દેખરેખ પર ધ્યાન રાખશે. વધુમાં જણાવ્યું કે, નિમણૂક કરાયેલા ‘અંડર કવર’ કર્મચારી સામાન્ય મુસાફરોની જેમ કાર્ય કરશે પરંતુ સેવાઓ સંબંધિત તમામ જરુરી બાબતો ઉપર યોગ્ય પ્રતિસાદ આપશે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, નિમણૂક કરાયેલા ‘અંડર કવર’ કર્માચારી સ્ટેશન પરથી સામાન્ય પેસેન્જરની જેમ ખોરાક ખરીદશે અને તેની ગુણવત્તા, કર્મચારીઓની વર્તણૂક, સ્ટેશન અને સ્ટોલ પર ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરશે અને તે અંગેની સ્ટાફની કામગીરીની પ્રતિક્રિયા રેલવે મંત્રાલયને આપશે. જેથી તેમાં યોગ્ય બદલાવ કરીને તેને સુધારી શકાય.

પ્રવાસીઓને સારી સેવા અને ગુણવત્તા મળી રહે તે માટે રેલવેએ અનેક સેવાઓ અમલમાં મૂકવાની યોજના બનાવી છે. તે મુજબ ‘અંડર કવર’ કર્મચારી વ્યક્તિગત યોજનાઓ પર કાર્ય કરશે અને તેના ચોક્કસ પરિમાણો મળી રહે અને પ્રવાસીઓને તેનો લાભ મળે એ માટે સ્ટાફના કર્મચારી અને ગ્રાહકો સાથે વાતચીત કરી અને તેમના નિરીક્ષણના આધારે અહેવાલ પણ સુપરત કરશે.