શુજાત બુખારીની હત્યાના ચોથા શકમંદની પોલીસે ધરપકડ કરી

શ્રીનગર – કશ્મીરના વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાના કેસમાં ચોથા શકમંદ વ્યક્તિની જમ્મુ અને કશ્મીર પોલીસે આજે ધરપકડ કરી છે. એ શકમંદનું નામ છે ઝુબૈર કાદ્રી.

રાજ્યના ઈન્પેક્ટર જનરલ કશ્મીર સ્વયંપ્રકાશ પનીએ કહ્યું કે ગુરુવારે સાંજે બુખારીની કરાયેલી હત્યા ત્રાસવાદી કૃત્ય છે. બુખારીને ગુરુવારે શ્રીનગરમાં લાલ ચોક નજીક પ્રેસ કોલોનીમાં અજાણ્યા હુમલાખોરોએ ઠાર કર્યા હતા. એ હુમલામાં એમના બે સુરક્ષા ચોકિયાત પણ માર્યા ગયા હતા.

પનીએ કહ્યું કે અમે આ હત્યાકાંડમાં સંડોવાયેલા ત્રણ મોટરસાઈકલ-સવાર ત્રાસવાદીઓની તસવીર રિલીઝ કરી હતી. એક વિડિયોમાં એક દાઢીવાળો શખ્સ ગુનાના સ્થળેથી પિસ્તોલ પકડીને ભાગતો અને ગાયબ થઈ જતો દેખાયો છે. એ વિડિયો પણ જનતા તરફથી સહકાર મળવાની આશાએ રિલીઝ કરવામાં આવ્યો હતો. છેવટે જનતાની મદદથી એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમે એની પાસેથી એ પિસ્તોલ પણ જપ્ત કરી છે જે એણે ગુનાના સ્થળેથી ઉઠાવી હતી.

બુખારીની હત્યાના બનાવમાં તપાસ કરવા માટે રાજ્યની પોલીસે એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.

પોલીસે ત્રાસવાદી હુમલા બાદ એક પિસ્તોલ જપ્ત કરી હતી, પણ બીજી ગાયબ હતી. એ પિસ્તોલ આજે ચોથા શકમંદની ધરપકડ સાથે મેળવી લેવાઈ છે.

બુખારીના પાર્થિવ શરીરની આજે બારામુલ્લા જિલ્લામાં એમના પૂર્વજોના કબ્રસ્તાનમાં દફનવિધિ કરવામાં આવી હતી. એમાં સેંકડો લોકોએ હાજરી આપી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]