નવસારીઃ અમદાવાદ અને મુંબઈ વચ્ચે દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન માટેના પ્રોજેક્ટ પર ઝડપથી કામકાજ ચાલી રહ્યું છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે નવસારી જિલ્લામાં જઈને બુલેટ ટ્રેન યોજના થયેલી પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. વૈષ્ણવની સાથે નાયબ રેલવે પ્રધાન દર્શના જરદોશ તથા રેલવે મંત્રાલય તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં.
નવસારી ખાતે વૈષ્ણવે કહ્યું કે 2026ની સાલ સુધીમાં દેશની પહેલી બુલેટ ટ્રેન સેવા શરૂ થઈ જશે. પહેલાં, ગુજરાત વિભાગમાં, સુરત-બિલીમોરા લાઈન શરૂ કરાશે. એ માટેનું કામકાજ સમયસર પૂરું થવાની ધારણા છે. એમણે કહ્યું કે યોજના પર જે રીતે કામકાજ ચાલી રહ્યું છે એના પરથી અમને વિશ્વાસ છે કે દેશમાં પહેલી બુલેટ ટ્રેન તો ચાલુ થશે જ, સાથોસાથ આ યોજનાથી એક લાખથી વધારે લોકોને રોજગાર પ્રાપ્ત થશે. તે ઉપરાંત આ યોજનાને કારણે દેશમાં એક સાથે અનેક પ્રકારની કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીઓ પણ વિકસિત થઈ રહી છે.