મુંબઈ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી NDA સરકારની કથિતપણે ‘જનતાવિરોધી’ નીતિઓ સામેના વિરોધમાં ડાબેરી વિચારસરણી ધરાવતા 10 મોટા કેન્દ્રીય ટ્રેડ યુનિયનો – INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC – દ્વારા 24-કલાકના ‘ભારત બંધ’નું એલાન કરવામાં આવ્યું છે જે આજે વહેલી સવારથી શરૂ થઈ ગયું છે. આને કારણે દેશમાં અનેક સ્થળોએ આજે જનજીવનને અસર થવાની સંભાવના છે. આજે દિવસ દરમિયાન બેન્કિંગ, ટ્રાન્સપોર્ટ તથા અન્ય સેવાઓ ઠપ રહે અથવા એને માઠી અસર પહોંચે એવી સંભાવના છે.
સવારે, પશ્ચિમ બંગાળના હાવડામાં બંધના આંદોલનકારીઓએ ટ્રેનો અટકાવી હતી.
આજે બેન્કોમાં પૈસા જમા કરવાની, ઉપાડવાની, ચેક ક્લિયરિંગ અને ઈન્સ્ટ્રૂમેન્ટ ઈસ્યૂ કરવા જેવી સેવાઓને માઠી અસર પડી શકે છે. જુદી જુદી બેન્કોએ આ વિશે અગાઉથી જ શેરબજારોને સૂચના આપી દીધી છે.
કોલકાતામાં તમામ બેન્કો બંધ છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની બહાર તો આંદોલનકારીઓ દરવાજા પર જ પહેરો ભરતા હતા.
દેશમાં વિદ્યાર્થીઓના 60 સંગઠનોએ કેટલીક યુનિવર્સિટીઓને પણ આજે બંધ કરાવવાની જાહેરાત કરી છે.
175થી વધારે કિસાનોનાં સંગઠનો પણ આજના ‘ભારત બંધ’ને સમર્થન આપી રહ્યા છે.
કેન્દ્ર સરકારે હડતાળ પર ન જવાની સરકારી કામદારોને અગાઉથી ચેતવણી આપી જ દીધી હતી.
કેન્દ્ર સરકારે જાહેર એકમોના સંચાલકોને કહી દીધું હતું કે તેઓ એમના કર્મચારીઓને આજના ‘ભારત બંધ’થી દૂર રહેવાનું કહે.
એક જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કોઈ કર્મચારી આજે હડતાળમાં જોડાશે એણે એનું પરિણામ ભોગવવું પડશે. કાં તો એનો પગાર કાપી લેવામાં આવશે અથવા એની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
તે છતાં, AIBEA, ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન, BEFI, INBEF, INBOC અને બેન્ક કર્મચારી સેના મહાસંઘ જેવા બેન્ક કર્મચારી સંઘોએ હડતાળમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
‘ભારત બંધ’ને કારણે સરકારી કામકાજને અસર ન પડે એટલા માટે કેન્દ્ર સરકારે ઈમરજન્સી યોજના પણ તૈયાર કરી રાખી છે.
10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોનો દાવો છે કે આજની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં 25 કરોડ લોકો સામેલ થશે.
મુંબઈમાં ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા યથાવત્
મુંબઈમાં આજે શાળાઓ અને કોલેજો ખુલ્લી રાખવામાં આવી છે તેમજ ટ્રેનો અને જાહેર બસ સેવા રાબેતા મુજબ ચાલુ છે.
કેટલાક શિક્ષકોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને ‘ભારત બંધ’ને ટેકો આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ વર્ગોના સંચાલનમાં કોઈ અસર નહીં પડે એવું શાળાઓનાં પ્રિન્સીપાલોનું કહેવું છે.
બોમ્બે યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ યુનિયન, મહારાષ્ટ્ર ફેડરેશન ઓફ યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ ઓર્ગેનાઈઝેશન સંગઠનો સાથે જોડાયેલા શિક્ષકો-પ્રોફેસરોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને કામ કરવાની જાહેરાત કરી છે.
શહેરમાં જાહેર બસ સેવા પૂરી પાડતી BEST કંપનીના કર્મચારીઓ તેમજ ટેક્સી અને ઓટોરિક્ષા ચાલકોનાં અનેક યુનિયનોએ બંધને ટેકો આપવાનો નિર્દેશ કર્યો છે, તે છતાં તમામ પરિવહન સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે એવી ધારણા છે, કારણ કે આ બધી સેવાઓ આવશ્યક સેવાઓની જાળવણીના કાયદા (ESMA) હેઠળ આવે છે અને આ કાયદાનો ભંગ કરી હડતાળમાં જોડાવું ગેરકાયદેસર ગણાય છે.