રાહુલ ગાંધીની ન્યાય યાત્રાઃ કૂતરાના બિસ્કિટ પર રાજકારણ

રાંચીઃ કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા પર છે. તેમનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એક કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા છે. થોડી વાર પછી તેઓ એ પેકેટમાંથી એક બિસ્કિટ સમર્થકને પણ આપે છે. એને લઈને વિવાદ થઈ રહ્યો છે. આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતાને આડે હાથ લીધા છે.

સરમાએ કહ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર તેમને બિસ્કિટ ના ખવડાવી શક્યા. મને આસામિયા અને ભારતીય હોવા પર ગર્વ છે. મેં બિસ્કિટ ખાવાથી ઇનકાર કરી દીધો હતો અને કોંગ્રેસ પાર્ટીનો ત્યાગ કરી દીધો હતો. તેમણે આ પહેલાં એવો દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ તેમની સાથે એક મિટિંગમાં તેમના પાલતુ કૂતરાની એક પ્લેટમાંથી તેમને બિસ્કિટ આપ્યા હતા અને એ બેઠકમાં હાજર લોકોએ એ પ્લેટમાંથી બિસ્કિટ ખાધા હતા. આ વિડિયો પલ્લવી નામની એક મહિલાએ સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો.

ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ રાહુલ ગાંધી અને કોંગ્રેસઅધ્યક્ષ ખડગે પર તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ખડગેએ પાર્ટીના બૂથ એજન્ટોની તુલના કૂતરાઓ સાથે કરી હતી અને હવે રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યા છે અને જ્યારે કૂતરાએ નહીં ખાધા તો એ જ બિસ્કિટ કાર્યકર્તાને આપી દીધા હતા.