ભારત જોડો યાત્રાઃ રાહુલને રામમંદિર ટ્રસ્ટનો ટેકો

બાગપતઃ કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધી કન્યાકુમારીથી કશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પર નીકળ્યા છે. એમની યાત્રા ઉત્તર પ્રદેશમાં પહોંચી છે. આ રાજ્યમાં ગઈ કાલે એમની યાત્રાનો બીજો દિવસ હતો. રાહુલને ગઈ કાલે એક અણધારી વ્યક્તિ તરફથી પ્રશંસા પ્રાપ્ત થઈ હતી. પાવનનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાંધવાની કામગીરી જેને સોંપવામાં આવી છે તે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયએ રાહુલના વખાણ કર્યા હતા. એમણે કહ્યું કે, એક યુવાપુરુષ 3,000 કિલોમીટરનું અંતર પગપાળા યાત્રા પર નીકળ્યા છે, એની પ્રશંસા કરવી જ જોઈએ. હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક છું. અમારી સંસ્થાએ પણ આ યાત્રાને નકારી નથી. એક યુવક દેશનાં લોકોને સમજવા માટે પ્રવાસે નીકળ્યા છે. એની પ્રશંસા કરવી જ જોઈએ.

ગઈ કાલે રાહુલની ભારત યાત્રામાં રાષ્ટ્રીય લોક દળ, ચંદ્રશેખર આઝાદ રાવણની ભીમ આર્મી પાર્ટી, ભારતીય કિસાન યૂનિયન (બીકેયૂ)ના સ્વયંસેવકો પણ જોડાયા હતા. તે ઉપરાંત પ્રસિદ્ધ ભોજપુરી ગાયિકા નેહા સિંહ રાઠોર, ટીવી સિરિયલ અભિનેત્રી કામ્યા પંજાબી, 86 વર્ષનાં શૂટિંગ સ્ટાર પ્રકાશી તોમર (રિવોલ્વર દાદી) પણ જોડાયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]