દશેરાના દિવસે ભારતને મળશે રાફેલ વિમાન…

નવી દિલ્હીઃ સ્વદેશી ફાઈટર પ્લેન તેજસમાં ઉંચી ઉડાન ભર્યા બાદ હવે રક્ષા પ્રધાન રાજનાથ સિંહ 8 ઓક્ટોબરના રોજ ફ્રાંસીસી ફાઈટર પ્લેન રાફેલમાં ઉડાન ભરવા જઈ રહ્યા છે. દશેરાના અવસર પર જ્યારે ભારતીય વાયુસેના પોતાના સ્થાપના દિવસ સમારોહમાં વ્યસ્ત હશે ત્યારે ફ્રાંસમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાજનાથ સિંહની ઉપસ્થિતીમાં ફ્રાંસ ભારતને પહેલું રાફેલ વિમાન સોંપશે.

વર્ષ 2016 માં ભારતીય વાયુસેનાને તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ મળ્યા બાદ આ પ્રથમ એવો મોકો હશે કે જ્યારે વાયુસેનાના બેડામાં કોઈ નવું લડાકૂ વિમાન શામિલ કરવામાં આવી રહ્યું છે. ભારતને મળનારા 36 વિમાનોની ડીલમાં પહેલા ચાર અંબાલામાં આવતા વર્ષે મે માસમાં સોંપવામાં આવશે. આ ડીલ સપ્ટેમ્બર 2016 માં થઈ ગતી. ફ્રાંસમાં થનારા કાર્યક્રમમાં બંન્ને દેશોના રક્ષા પ્રધાન અને રક્ષા વિભાગના ટોચના અધિકારી જોડાશે.

પહેલા 16 રાફેલને વાયુસેનાની 17મી સ્ક્વાડ્રન ગોલ્ડન એરોજમાં શામિલ કરવામાં આવશે, વર્ષ 1999 ના કારગિલ યુદ્ધ દરમિયાન હિરો બનીને ઉભરી આવેલી સ્ક્વાડ્રનને તાજેતરમાં જ સેવાનિવૃત્ત થયેલા એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કમાન્ડ કરી હતી. એપ્રિલ 2022 માં આવનારા 16 રાફેલ જેટને પશ્ચિમ બંગાળના હાસિમારામાં રાખવામાં આવશે. રાફેલ વિમાનને ભારત આવતા હજી થોડો સમય લાગશે કારણ કે તેની વ્યાપક તપાસ અને પાયલટને ટ્રેનિંગ આપવામાં ખૂબ સમય લાગે છે.

રાફેલ લડાકૂ વિમાન ભારતીય વાયુસેનાની મારક ક્ષમતા ખૂબ વધારી દેશે. આ હવાઈ ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થશે. રાફેલ પાકિસ્તાન અને ચીનથી થનારા હુમલાઓના ખતરાને રોકવામાં અને તેને કાઉન્ટર કરવામાં ખૂબ મદદગાર સાબિત થશે. ભારત રાફેલ જેટ માટે અત્યાર સુધી વર્ષ 2016 ની સમજૂતી અંતર્ગત 34,000 કરોડ રુપિયાની ચૂકવણી કરી ચૂક્યું છે.

એક રોચક તથ્ય એ છે કે ભારતીય વાયુસેનાના પ્રથમ રાફેલ લડાકૂ વિમાનની પાછળના ભાગે એટલે કે ટેલ પર આરબી 01 લખેલું હશે. રક્ષા સૂત્રો અનુસાર આ ટેલ નંબર નવા વાયુસેના અધ્યક્ષ એર ચીફ માર્શલ આરકેસ ભદોરિયાના નામ પર છે.