ઉત્તરાખંડના નવા CM પુષ્કર સિંહ ધામી બનશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડ ભાજપના વિધાનસભ્યોના મંડળે યુવા નેતા પુષ્કર સિંહ ધામીને પોતાના નવા નેતા તરીકે પસંદ કરી લીધા છે. પુષ્કર સિંહ ધામી રાજ્યના નવા મુખ્ય પ્રધાન થશે. ધામી કુમાઉ ક્ષેત્રના ઉધમ સિંહ નગર જિલ્લાના ખટિમા સીટથી બે વાર વિધાનસભ્ય રહી ચૂક્યા છે. તેઓ 45 વર્ષના છે. સંઘથી સારા સંબંધ રાખનારા પુષ્કર સિંહ ધામીને કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહની નજીકના માનવામાં આવે છે. છેલ્લા ચાર મહિનામાં ધામી ઉત્તરાખંડના ત્રીજા મુખ્ય પ્રધાન હશે. આ પહેલાં તિરથ સિંહે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું.

મુખ્ય પ્રધાન બનાવવાના એલાન પછી ધામીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમું પહેલું કામ લોકોની ભલાઈ કરવાનું હશે. તેમણે ઓછા સમયમાં વધુ કામ કરવું પડશે. તેમની પાર્ટીએ એક સામાન્ય પાર્ટીના કાર્યકર્તા અને ભૂતપૂર્વ સૈનિકના પુત્રને મુખ્ય પ્રધાનપદ માટે પસંદ કર્યા છે.

ધામી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભગત સિંહ કોશિયારીના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી પણ રહી ચૂક્યા છે. ધામી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર, 1975માં પિથોરોના ગઢના ડીડી હાટ તહસીલના ટુંડી ગામમાં થયો હતો. તેમના પિતા સેનામાં હતા. તેમણે માનવ સંસાધન મેનેજમેન્ટ અને ઔદ્યોગિક સંબંધ વિષયમાં માસ્ટર ડિગ્રી લીધી છે. તેમણે એલએલબી કર્યું છે. વર્ષ 2017માં ચૂંટણી સોગંદનામામાં તેમણે વ્યસાયમાં વકીલાત કરાવ્યો હતો. ધામીએ રાજકીય કરિયરની શરૂઆત ભાજપના ABVPથી કરી હતી. 1990થી 1999 સુધી જિલ્લાથી માંડીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિવિધ પદો પર કાર્યરત હતા.