પંજાબના સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલીની એક કોર્ટે તાજેતરમાં દુષ્કર્મના ગુનામાં દોષી ઠેરવ્યો હતો અને આજે, 1 એપ્રિલ 2025ના રોજ, તેને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ કેસમાં કોર્ટે 28 માર્ચે જ બજિન્દરને દોષી જાહેર કર્યો હતો. સાત વર્ષની લાંબી કાનૂની લડાઈ અને પુરાવાઓ તથા સાક્ષીઓના આધારે પીડિતાને આખરે ન્યાય મળ્યો છે. આ ઘટનામાં કુલ છ આરોપીઓ સામેલ હતા, જેમાંથી પાંચને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા, પરંતુ બજિન્દર સામે પૂરતા પુરાવા મળતાં તેને સજા થઈ છે.
આ ઘટનાની શરૂઆત 2018માં થઈ હતી, જ્યારે બજિન્દર સિંહ વિરુદ્ધ યૌન ઉત્પીડન અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પીડિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, બજિન્દરની માનસિકતા વિકૃત છે અને જો તે જેલમાંથી છૂટી જશે તો ફરીથી આવા કૃત્યો કરી શકે છે. તેણે કહ્યું, “હું તેને જેલમાં જ રહેતો જોવા માંગું છું. આ નિર્ણયથી અનેક પીડિતાઓને ન્યાય મળ્યો છે.” પીડિતાએ પોતાની અને પરિવારની સુરક્ષા માટે ડીજીપીને અપીલ પણ કરી છે, કારણ કે તેને હુમલાનું જોખમ લાગે છે.
પીડિતાના પતિએ સાત વર્ષ સુધી આ કેસ લડ્યો અને કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે, “આ સમયગાળામાં અમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. બજિન્દરે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને અમારી સામે ખોટી એફઆઈઆર પણ નોંધાવી, જેના કારણે મને છ મહિના જેલમાં રહેવું પડ્યું. પરંતુ અમને ન્યાય પર ભરોસો હતો, અને આજે અમે જીત્યા છીએ.” 2018માં જ્યારે આ કેસ નોંધાયો, ત્યારે બજિન્દર લંડન ભાગી જવાની તૈયારીમાં હતો. પોલીસે તેને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. પંજાબના મોહાલીમાં રહેતી એક મહિલાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી, જેના આધારે તેની ધરપકડ થઈ.
શું હતી આખી ઘટના?
પીડિતા 2016માં બજિન્દરના સંપર્કમાં આવી હતી. 2017માં બજિન્દરે તેને એક ઢાબા પર મળવા બોલાવી અને યુકે લઈ જવાની લાલચ આપીને પાસપોર્ટ લાવવા કહ્યું હતું. ત્યારબાદ તેણે પીડિતાને અન્ય એક આરોપી સાથે કારમાં ચંદીગઢ જવા કહ્યું. યુકે લઈ જવાના બહાને તેણે પીડિતા સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યા અને તેને બેભાન કરી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોનો ઉપયોગ કરી તે પીડિતાને ધમકાવતો રહ્યો અને વિદેશ જવા માટે એક લાખ રૂપિયાની માગણી પણ કરી. પીડિતાએ આ મામલે ઉકેલ લાવવા બજિન્દરના ઘરે જવાનું નક્કી કર્યું, પરંતુ ત્યાં તેની સાથે અન્ય પાંચ લોકોએ શારીરિક શોષણ અને મારપીટ કરી હતી, જેની ફરિયાદ તેણે નોંધાવી હતી.
