પુડુચેરી છે ભારતમાં ‘સૌથી આવકારલાયક પ્રદેશ’

મુંબઈઃ ઓનલાઈન ટ્રાવેલ કંપની ‘બુકિંગ ડોટ કોમ’એ તેના 11મા વાર્ષિક ટ્રાવેલર રીવ્યૂ એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત કરી છે. આમાં વર્ષ 2023 માટે પૃથ્વી પર સૌથી સ્વાગતને યોગ્ય હોય એવા સ્થળોનાં પણ નામ છે. ટ્રાવેલર રીવ્યૂ એવોર્ડ્સ ભારત સહિત 220 દેશો અને પ્રદેશોની એવી ટ્રાવેલ કંપનીઓનું બહુમાન કરે છે, જેઓ આખા વર્ષમાં પ્રવાસીઓને સમર્પિત રીતે સતત અને શ્રેષ્ઠતમ સેવા તથા આતિથ્ય પ્રદાન કરે છે. આ એવોર્ડ્સના વિજેતાઓને 24 કરોડ ગ્રાહકોની વેરીફાઈડ સમીક્ષાઓના આધારે નક્કી કરાય છે.

વર્ષ 2023 માટે ભારતમાં પાંચ ‘સૌથી આવકારને યોગ્ય’ પ્રદેશોની યાદીમાં કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી પહેલા નંબર પર છે. અન્યો છેઃ કેરળ, રાજસ્થાન, ગોવા અને હિમાચલ પ્રદેશ.

વર્ષ 2023માં ભારતમાં સૌથી આવકારને લાયક એવા 10 ટોચના શહેરોના નામ તેણે પસંદ કર્યા છે. આ છેઃ

પેલોલીમ (ગોવા), અગોન્દા (ગોવા), મારારીકુલમ (કેરળ), હમ્પી (કર્ણાટક), ખજુરાહો (મધ્ય પ્રદેશ), ઠેક્કાડી (કેરળ), જેસલમેર (રાજસ્થાન), બીર (હિમાચલ પ્રદેશ), મુન્નાર (કેરળ), વારકલા (કેરળ).